આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫


મૃત્યુનું મરણ.

(ગરબી*[૧])

જોમ ચઢી ઉજમાળી ઉષા મૃદુ બાળક શી હસે રે લોલ !
હા ! પણ એ ક્ષણ વાર પછી જ વિલીન થઈ જશે રે લોલ. ૧
માલૂમુખે નિરખી શિશુ કાલુંશું હાસ કરી રમે રે લોલ,
ઝડપી લેશે કાળ કરાળ જ, બાળક કહિં શમે રે લોલ. ૨

સિન્ધુ-ઉરે રહીં પોઢી સુહાગણ સન્ધ્યા કોમળી રે લોલ,
સ્વપ્નસુખે રમતી રમતી જ જશે તિમિરે ઢળી રે લોલ. ૩

પ્રેમીયુગલ રમતાં આશ્લેષ વિશે અવિચારમાં રે લોલ,
હા ! પણ અન્તે મૃત્યુ કરાળ ગ્રસે પળવારમાં રે લોલ. ૪

મૃત્યુ રમે જગમાં અનિવાર, દયા ધરતું નહિ રે લોલ,
મૃત્યુતણો કરવા વધ કૉણ સમર્થ દીસે અહિં રે લોલ ? ૫



કાં ભ્રમમાંહિ ભમો એ ભાઈ ? સુણે સાચું કહું રે લોલ;
તિમિરે જનમ્યું, તિમિર જતાં ક્ષણ, મૃત્યુ મરી ગયું રે લોલ. ૬


  1. “ગૉરમા શિદ આ અવતાર કે નાગરી નાત્યમાં રે લોલ.” — એ ચાલ.