આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧
કોણ કહે સુખ નશ્વર છે?

(તોટક )
વિરલું અતિ સૂક્ષમ સ્વરૂપ ધરી
સઘળે સ્થળ પ્રેમ રહ્યા પસરી;
અહિં જીવન હેવું મનોહર છે,
તહિં કોણ કહે સુખ નશ્વર છે?

લીધું ચુમ્બન એક ક્ષણે મધુરું,
નવ લુપ્ત થશે, ન રહે અધેરું;
સ્મૃતિમાં પૂરિયું સ્પુરશે ચિર એ,
પછી કોણ કહે સુખ નશ્વર છે?

સ્મિત પ્રેમભર્યા નયનો વરસે,
સ્થિર સ્નેહી–ઉરો સહુ એ ધરશે,
દુખમાં સુખ એ સઘળાં તરશે-
પ્રિય! કોણ કહે સુખ નશ્વર છે?

અહિ જીવનમાં અમીપાન પીધાં,
ડગલે ડગલે ફૂલ વીણી લીધાં,
રસ એહ સુગન્ધ જ એ સ્થિર છે.
જન અજ્ઞ કેહે સુખ નશ્વર છે.