આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬


( મૂળ ચાલ. )
ભગિની બન્ધુઓ રે લોલ !
દિવ્ય રાસ સંગ તાલ સાચવો રે લોલ ?

(સાખી. )
અણગણ યુગનાં પગથિયાં ચઢિયા આપણ કાંઈ,
ચઢવાં હજી બાકી ઘણાં, બળ અભિનવ પ્રેરે આંહિં,

( મૂળ ચાલ. )
ભગિની બન્ધુઓ રે લોલ !
દિવ્ય વાદ્યના સુરો મનોહરા રે લોલ.

(સાખી. )
રગ રગ એ ઉત્સાહબળ વ્હેતું રહો ચિરકાલ;
ડગ ડગ તાલ ધરી રમો રાસ યુવતિ, યુવક, વૃદ્ધ, બાલ !

( મૂળ ચાલ. )
ભગિની બન્ધુઓ રે લોલ !
દિવ્ય ગાન ઓ સમીપ આવિયાં રે લોલ.

( મૂળ ચાલ. )
સુદિન આજ આ અકથ આનન્દનો રે લોલ,
એક સુરે ગાઓ મધુર ગાન,
ભગિની બન્ધુઓ રે લોલ !
દિવ્ય વાદ્ય સંગ સુરો મેળવી રે લોલ.