આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૨૪મું
ઓખાને ચિત્રલેખાની સલાહ
રાગ :મેવાડની દેશી

ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો;
આપણે મોટાં મા-બાપનાં છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. ૧.

બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો;
અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો. ૨.

વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંતજ આણે જો;
મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. ૩.

મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દીસે છે અપલક્ષણ જો;
બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહીજે જો. ૪.

તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો;
તારું વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સહુને દમતું જો. ૫.

કામ વ્યાપે સર્વ અંગે જો., બહેની રહીએ પોતાના ઢંગે જો;
તું'તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો ? ૬.

તેં તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણાં થાપી ચાલી જો;
હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. ૭.

તું તો જુવે લોકમાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો;
બેની ડગલાં ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. ૮.

આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાવ્રત આચરતાં જો;
મારી ઓખાબાઈ સલુણાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો. ૯.

દીપક બાળે ને અવરિએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો,
થયું પૂરણ વ્રત એક માસે જો, કોઇ જાણે નહિ એકાંતે જો. ૧૦.

(વલણ)

આવાસ એક સ્થંભ વિષે, વ્રત કીધું ઓખાય રે;
સ્વપ્નામાં સંજોગ સ્વામીનો, ભટ પ્રેમાનંદ ગાય રે. ૧૧.


કડવું ૨૫મું
ગોર્યમાની પૂજા
રાગ :ઢાળ

બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;
ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. (૧).

કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;
મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. (૨).

ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;
ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. (૩).

ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;
પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય. (૪).


કડવું ૨૬મું
ગોર્યમા પાસે માંગણી
રાગ : ધોળ

ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;
માતા સદાય સોહાગણી (૧).

ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;
ભાભી તે હાથ હુલાવતી. (૨).

ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;
સાસુને પ્રજા ઘણી. (૩).

ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;
દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).

ગોર્યમા! માગું રે, તમારી પાસ;
અખંડ હેવાતન ઘાટડી. (૫).

ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;
ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).

ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;
માથે મનગમતો ધણી. (૭).


કડવું ૨૭મું
ઓખા ગોર્યમાને ઠપકો દે છે
રાગ : ઢાળ

એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર;
વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિરધાર. ૧.

એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત;
વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત. ૨.

વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર;
ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય. ૩.

આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય;
ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય. ૪.

ઊંચેથી પછાડીએ. ભાંગી ભૂકો ન થાય;
તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય. ૫.

પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહિ બોલે;
તું તો બહેની કહેતી હતી જે, નહિ ગોર્યમા તોલે. ૬.

પકવાન પેંડા મેલિયે તો, કકડો કોઇ ન ખાય;
તું આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય રે. ૭.


ઓખાહરણ- ૧૧