આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તું જાગ્યાં કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક;
ત્રણવાર તું પરણશે, પણ વર તો એકનો એક. ૮.

વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયાં સાર;
અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. ૯.

એમ કરતાં ઓખાબાઇના, દિન ઉપર દિન જાય;
સુંદર માધવ માસ આવ્યો; દ્વાદશીનો દિન. ૧૦.

સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભોવન;
આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. ૧૧.
 
સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયો કશ્યપ તન;
હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન. ૧૨.

પહોર રાત વહી ગઈ ને, હજુ ન આવ્યું કોય;
ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય. ૧૩.

વા વાય ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય;
ના આવ્યા ઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય. ૧૪.

તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર;
બોલ્યા વિના નહિ ઉઘાડું, હૈડે છે મને ધીર. ૧૫.

વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય;
ચેન કાંઇ પડે નહિ ને, ભણકાર બહુ થાય. ૧૬

તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે;
ઓખાબાઇએ તો દોટ કરી, દ્વાર ઊધાડીયું ત્યારે. ૧૭

બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્થંભ જ એક;
તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ. ૧૮

ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી;
બોલ્યા વિના તો નહિ બોલાવું, હું છું ગુણવંતી નારી. ૧૯

બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ;
શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ૨૦

ઓખાબાઇ તો માળિયામાં, પાડે છે બકોર;
ઇશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર. ૨૧

ઇશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રુવે છે નાર;
ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રુવે નિરધાર. ૨૨.

વચન આપણું મિથ્યા કરવા, બેઠી બાણકુમાર;
તામસી વિધ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર, ૨૩.

મધ્યરાત તો વહી ગઈ ને, મીંચાણાં લોચન;
સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદ્યુમનનો તન. ૨૪


કડવું ૩૧મું
ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર
રાગ : ધોળ

સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે,
સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે ૧.

સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે,
સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે. ૨.

સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે,
સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે ૩.

સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે,
ઓખા હસી હસી તાળી લે હાથ રે. ૪.

ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે,
ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ૫.

ઓખાબાઇને નાટક ચેટક લાગ્યું રે,
તે તે કેમ કરીને થાય અળગું રે. ૬.

જાગ જાગ ઓખા જાગ રે;
જે જોઈએ તે માગ રે. ૭.


ઓખાહરણ- ૧૩