આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૩૯મું
ચિત્ર જોઈ ઓખા વિહ્‌વળ બને છે
રાગ : ઢાળ

ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;
પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ. (૧)

કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન;
માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન. (૨)

આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો;
મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો. (૩)

ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;
તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. (૪)


કડવું ૪૦મું
રાગ : પરજ

આપો આણી, એ વર મુને આપો હો આણી,
નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. (ટેક૦)

મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે;
મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. (૧)

જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે;
અંગ શોભે એ ભીને વાન, તે વર મુને૦ (૨)

જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે;
તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને૦ (૩)

વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે;
તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને૦ (૪)

રાજે પીતાંબર પરીધાન રે, મુને કહેતો ગયો નહિ નામ રે;
ત્યારે ક્યાંથી સરે મારૂં કામ, તે વર મુને૦ (૫)

ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે;
બાઈ દ્વારિકા તે જાયે કોણ, તે વર મુને૦ (૬)

કોટ કાંગરે ચામુંડાય રે, છપ્પન કરોડ તે ચોકીમાંય રે;
ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલામાંય. તે વર મુને૦ (૭)


કડવું ૪૧મું
ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે
રાગ : મારુ

ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી;
બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. (૧)

ચતુરાને કહે ચિત્રલેખા, બાઇ આણ્યાના ઉપાય કેવા;
દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી. (૨)

ત્યાં જૈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર;
જાવું જોજન સહસ્ત્ર અગિયાર, તારો કેમ આવે ભરથાર ? (૩)

નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે;
બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. (૪)

સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા હાથે ઝાલી;
આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી. (૫)

મા-બાપ વેરી છે મારાં, મેં તો ચરણ સેવ્યા છે તમારાં;
વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. (૬)

કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોઝાર;
ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. (૭)


ઓખાહરણ- ૧૭