આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૫૦મું
ઓખા અનિરુદ્ધને પરણે છે
રાગ : ઘોળ

માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે,
માળિયામાં દેવતા સાક્ષી લીધા રે;
માળિયામાં નારદ તંબુર વાય રે,
માળિયામાં કળશ ચોરી બંધાય રે.

માળિયામાં પહેલું મંગળ વરતાય રે,
પહેલે મંગળ શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.

માળિયામાં બીજું મંગળ વરતાય રે,
બીજે મંગળ, શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે સોળ શણગાર,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.

માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે,
ત્રીજે મંગળ, શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે નવસર હાર રે,
દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે.

માળિયામાં ચોથું મંગળ વરતાય રે,
ચોથે મંગળ, શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે ગાયોનાં દાન રે,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.

માળિયામાં સમે વરતે સાવધાન રે,
માળિયામાં આરોગ્યા કંસાર રે;
માળિયામાં ચાર ભાગ્યવંતી તેડાવો રે,
ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે.

માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઊઠ્યાં રે,
માળિયામાં ત્યાં તો સૌનેયે મેરુ થાય રે.


કડવું ૫૧મું
ઓખા ને અનિરૂદ્ધ રંગવિલાસ માણે છે
રાગ : ચોપાઈ-ત્રિતાલ

બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન;
મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. (૧)

સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી;
બાઈ તું કરજે પિયુંના જતન, રાંક હાથે આવ્યું રતન. (૨)

વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો;
અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ? (૩)

તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દિજે;
બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. (૪)

હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુંજ પાખે;
આપણ બે જણ દિન નીરગમશું, અન્ન વેંચીને જમીશું. (૫)

દુઃખ થાશે દઈશું થાવા, પણ નહિ દેઉં તુજને જાવા;
બેની હું તો રહીશ ભૂખી, તુજને નહિ થવા દઉં દુઃખી. (૬)

હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ;
મા-બાપ વેરી થયાં છે મારાં, મેં તો ચરણ સેવ્યાં છે તમારા. (૭)

તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય;
ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. (૮)

પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર;
તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યાં નારી ભરથાર. (૯)

એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન
ઓખાએ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી. (૧૦)

સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી;
જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. (૧૧)


ઓખાહરણ- ૨૧