આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૬ઠું
શિવજીએ શાપ આપ્યો - ગણપતિ ને ઓખાની ઉત્પત્તિ
રાગ : ઢાળ


તે તો તારે વણ કહે મેં, ઉપજાવ્યો છે એક;
જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. (૧)

તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય;
લે બાણાસુર જા હું આપું, એક આ ધ્વજાય. (૨)

જ્યારે એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય;
રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. (૩)

ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર;
વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય. (૪)

એક સમે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન;
તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. (૫)

અહો શિવજી, અહો શિવજી, જનમારો કેમ જાય;
મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય ? (૬)

મહારુદ્ર વાણી બોલિયા, લે આ મારું વરદાન;
તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. (૭)

વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય;
ઉમિયાજી નહાવાને બેઠાં, વિચાર્યું મનમાંય. (૮)

શિવનાં ઘર મોટાં જાણીને, રખે આવતું કોય;
બે બાળક મેલું બારણે તે, બેઠાં બેઠાં જોય. (૯)

દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ;
હાથ ચરણને ઘુંટણપાની, ટુંકું અંગ સ્વરૂપ. (૧૦)

ચતુર્ભુજને ફાંદ મોટી, દીસે પરમ વિશાળ;
શોભા તેની શું કહું, કંઠે ઘુઘરમાળ. (૧૧)

પહેલાં કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;
ત્રીજા કરમાં ફરસી સોહિએ, ચોથે રે જપમાળ. (૧૨)

ગણેશને ઉપજાવીને, બોલ્યાં પાર્વતીમાત;
એની પાસે જોડ હોય તો, કરે તે બેઠાં વાત. (૧૩)

વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ;
શોભા તેની શી કહું, શુકદેવજી કહે સુણ ભૂપ. (૧૪)

સેંથો ટીલડી રાખડી, અંબોડી વાંકી મોડ;
કંઠ કપોળ અને કામની, તેડે મોડામોડ. (૧૫)

કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત;
કંકુ પડો નાડાછડી તે, આપ્યો લઈને હાથ. (૧૬)

(વલણ)

પરિક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહ રે;
ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યાં તેહ રે. (૧૭)


કડવું ૭મું
શિવજીએ ગણપતિજીનો શિરચ્છેદ કર્યો
રાગ : ઢાળ

દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય;
બાળક બે જોઇને નાઠા, ગયા શિવ છે જ્યાંય. (૧)

નારદ ચાલી આવિયા, મધુવન તતખેવ;
ઓરે શિવજી ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. (૨)

વનવગડામાં ભમતા હીંડો, માથે ઘાલો ધૂળ;
આ ધંતુરો વિજિયા ચાવો, કરમાં લ્યો ત્રિશૂળ. (૩)

તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસુત્ર;
તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર. (૪)

મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય;
ગણપતિ વાણી બોલિયા, આડી ધરી જેષ્ટિકાય. (૫)

અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિસંતો અદ્દભુત;
આજ્ઞા વિના અધિકાર નહિ, હોય પૃથ્વીનો જો ભૂપ. (૬)
 
વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય;
લાતો ગડદા, પાટુ મૂકી, આવ્યા ઘરની માંય. (૭)

ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય;
ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય ? (૮)

ત્યારે શિવજી કોપિયા ને, ચડી મનમાં રીસ;
કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીષ. (૯)

માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત;
તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. (૧૦)

તે મસ્તક તો જઇને પડ્યું, ચંદ્રના રથમાંય;
તેથી ચતુર્થીને દિવસે, ચંદ્રપૂજન થાય. (૧૧)

એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી ન્હાય;
ઓખા બેઠી‘તી બારણે તે, નાસી ગઇ ઘરમાંય. (૧૨)

લવણ કોટડીમાં જઇને પેઠી, મનમાં વિચારી;
ભાઇના કકડાં કીધા માટે, મુજને નાંખશે મારી. (૧૩)

મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યાં ઉમિયા મન;
નેત્ર ઉઘાડી નિરખિયું, ત્યારે દીઠા પંચવદન. (૧૪)

વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ;
આક ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. (૧૫)

નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહિ મન માંહે;
બે બાળક મેલ્યાં બારણે, કેમ આવ્યાં મંદિર માંહે. (૧૬)


ઓખાહરણ- ૪