આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૯૦મું
સાસરીયે જતાં ઓખાને માતા શિખામણ આપે છે
રાગ : બીભાસ

સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી,
હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વીસરી.
સાસરિયાના સાથમાં, હળવે હળવે ચાલીએ;
સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ.
સાસરિયાના સાથમાં, કંથ સારુ માલીએ;
સાસરિયાના સાથમાં, સૈડકો આઘો તાણીએ.
સાસરિયાના સાથમાં, કૂવે વાત ન કીજીએ;
સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતાં બીહીજીએ.
સાસરિયાના સાથમાં, ઢુંકી પાણી નવ લીજીએ,
સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે.
પિયુજીને પરમેશ્વર જાણી, પગ ધોઈ પીજીએ.


કડવું ૯૧મું
જન જતી વખતે ફટાણ અગવાય છે
રાગ : ફટાણાની ચાલ

આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે;
જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી૦

હાર્યો હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;
વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે.

રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;
તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે.

તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;
બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીતિયા રે.


કડવું ૯૨મું
મીંઢળ છોડવા સમયે ઓખા-અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ
રાગ : ધોળ-મંગળ

તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે;
તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે.
તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા૦
તારો પ્રધુમન તાત તેડાવ, છબીલા૦
તારી રતુમતી માત તેડાવ, છબીલા૦
બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા૦
તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા૦
તારી રેવંતી કાકી તેડાવ, છબીલા૦
તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા૦
દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે.
બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી.
તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી.
તારી બાણમતી માત તેડાવ, હો લાડી.
તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી પારવતી માત તેડાવ હો લાડી.
તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી શુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય, છબીલા૦
દોરડો કેમ છુટે, બેઠી ગાંઠ તે કેમ છુટી જાય, છબીલી દોરડો કેમ છુટે.


કડવું ૯૩મું
કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો
રાગ : ધનાશ્રી

રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી;
નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી.

એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી;
માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી.

મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી;
ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી.

બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી;
કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી.

શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી;
આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી.

શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી;
ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી.


ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.


ઓખાહરણ- ૪૪