આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
109
 

મૌન તૂટતું નહોતું.

ખભા હડબડાવીને તાઈએ મિત્રને પૂછ્યું : “આમ જો : શું થયું છે તને ? શું તે મારા મોતની વાતથી વિચારમાં પડી ગયો છે ? કહે જોઉં; મારી તોયાના કસમ - જો ન કહે તો !”

જવાબમાં પરોણાએ તાઈની આંખો સામે આંખો નોંધી. પછી ધીરે ધીરે ધીરે પોતાના ડાબા હાથની બાંયમાંથી કશુંક ખેંચી, બહાર કાઢ્યું. એ એક કાલી, ધારદાર જાડી કુહાડી હતી.

તાઈને સમજવા માટે આટલું જ ચિહ્ન બસ હતું. એને શરીરે સ્વેદ વળી ગયા; એનાથી એટલું જ બોલાયું : “તું જ – તે પોતે જ જલ્લાદજી ! નજૂમી શું સાચો પડ્યો !”

કુહાડી જાણે એ દીવાનાં કિરણોનાં પ્રતિબિંબોને શબ્દો બનાવી કહી રહી હતી કે ‘હવે મોડું થાય છે; જલદી કરો.”

બન્ને સામસામા ચુપચાપ ઊભા : હજુ જાણે આ સામે ઊભેલું સત્ય ભ્રાંતિ જેવું ભાસતું હતું.

સાંકડી નાળ્યમાંથી પવનનાં લહેરિયાં આવે તેવો તોયાનો કંઠસ્વર આ બેઉ જણની વચ્ચે લહેરાતો હતો.

“ભાઈ !” તાઈએ દયામણું મોં કરીને કહ્યું : “થોડી ઘડી થોભી શકશે તું ?”

જલ્લાદે ડોકું ધુણાવ્યું.

તાઈ હળવે પગલે ચાલ્યો : બાજુ પર બિરાજતી દેવ-પ્રતિમાની સામે જઈ ઊભો; દસ-બાર ધૂપસળીઓ સળગાવીને પ્રતિમાની આગળ રોપણ કર્યું. પછી પાછે પગલે થોડે છેટે જઈ હાથ જોડ્યા. પ્રતિમાની સામે તાકી રહ્યો. કશાક ધર્મબોલ એના હોઠમાંથી ફફડી ચૂક્યા. પછી એણે પ્રતિમાને કહ્યું : “હે દેવ ! અમ ઇન્સાનોના મૃત્યુ-ભય ઉપર ધીરગંભીર હાસ્ય કરતા ઓ ખાવિંદ ! થોડી વારની નબળાઈને દરગુજર કરજે. તારું શરણું ! તારું શરણું ! તારું અંતિમ શરણું !”

અદબ ભીડીને ધીરે પગલે એ પરોણાની પાસે જઈ ઊભો; મીઠે કંઠે