આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
111
 

વચ્ચે મિત્ર-પુત્રી તોયાનું લાલનપાલન કરી રહેલ છે. પોપચું આંખની કીકીને સાચવે છે તેવી કુમાશથી એ તોયાની રક્ષા કરે છે. પિતાનો કોણે વધ કર્યો એની તોયાને ગંધ સરખી પણ નથી. એને તો પિતાની ઊણપ સ્વપ્નમાંય ન સાંભરે તેટલું નવી વહાલપનું સુખ સાંપડી ગયું છે.

તોયા મોટી થઈ. આંબાવાડિયાના રખેવાળે એ કિશોરીની મંજરીઓ મહેક મહેક થતી જોઈ લીધી. તોયાને નિશાળે બેસારી. એમ કરતાં યૌવનની આંબા-સાખે સુનેરી રંગો ડોકાવા લાગ્યા.

રખેવાળની ફિકર વધતી ચાલી. એને ચાળીસ વર્ષો ચડી ગયાં. જે જલ્લાદપદ એના તકદીરના સદાને માટે જડાઈ ગયું હતું, તેણે એના કુમળા ભાવોનો સંહાર વાળી દીધો. કોમની ગુપ્ત મજલિસમાં નેકપાક અને ઇમાની નરનું પરમ સ્થાન પામેલો એ પુરુષ એક બાજુથી કોમ-કોમ વચ્ચેનાં વેરને બુઝાવવા માટે કાકલૂદીઓ સંભળાવતો હતો, ને બીજી બાજુ બાંયમાં ચડાવેલી કુહાડીને કાળી કાળી અનેક અધરાતોએ અનેક સદોષ કે નિર્દોષ શત્રુપક્ષી ગરદનો પર પટકતો હતો. એવા બેવડ જીવનપ્રવાહે એના ચહેરામાં મૂંઝાતી ક્રૂરતા આલેખી દીધી; એના હોઠ પરનું હાસ્ય શોષી લીધું. એના મોંની આસપાસ ઊંડાં કોતરો ખોદી નાખ્યાં.

કિશોરી તોયા તરણતાને હીંચોળે હીંચતી હીંચતી આ પાલનહારને નીરખતી હતી. બાપુના વસિયતનામામાં પોતાને તો આની જ પત્ની બનવાની પિતૃ-આજ્ઞા છે એ વાત તોયાએ જાણી હતી. કોમનાં કડક રૂઢિબંધનોને અળગાં મૂકીને આ રક્ષક તોયાને ભણાવતો હતો. કોમના જુવાનો પણ એને આંગણે ઝબૂકતા હતા.

આ રીતે તોયાના અંતરમાં લાગણીની ભીનાશ ભરી હતી. પરંતુ એ ભીનાશ શાની હતી ? સ્નેહની ? કે ઉપકાર-બુદ્ધિની ?

*

“તોયા !” એક દિવસની સંધ્યાએ પાલનહારે આવીને એની હડપચી હળવે હાથે ઊંચી કરી : “કાલે તારી અઢારમી વર્ષગાંઠ, ખરું ?”

તોયાના મોં પર લજ્જાનો રંગ-ઘૂમટો ખેંચાયો.