આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
121
 

કંગાલની બાંયમાંથી કુહાડી નીચે સરી; હાથો મૂઠીમાં પકડીને એણે સહુને બતાવ્યું. કહ્યું : “હું કોણ છું, માલૂમ છે ? હું જલ્લાદજી છું.”

“એ-હેં-હેં-હેં ! કુહાડી તો હાલીમવાલીય રાખે છે. જો જલ્લાદજી ભાળ્યો ન હોય તો ! પૈસા કાઢી નાખ પૈસા !”

“હું પૈસા ચૂકવવા કાલે આવી પહોંચીશ. મારી વાટ જોજો, હાં કે ! બદલામાં આ મૂકતો જાઉં છું,” કહીને જલ્લાદે સામા ઓરડાના કમાડ પર કુહાડી ઝીંકી : કુહાડીનું નિસ્તેજ પાનું પૂરેપૂરું કમાડમાં પેસી ગયું. અનોધું જોર અને એવી મક્કમ તાકાત દેખી બધાં પાછાં હટ્યાં. બધાંના હોશ કંપી ઊઠ્યા.

“ને મારી પાસે હજી બીજીય છે – જો જોઈતી હોય તો !” એવી ત્રાડ દઈ એણે તોયાને બહાર દોરી. એ નીકળી ગયો.

*

“હા…ય ! માડી રે !” કુટ્ટણી હેબત ખાઈ ગઈ હતી. એણે નોકરને કહ્યું : “કમાંડમાંથી કુહાડી ખેંચી લે, ભાઈ ! મારાથી એ કુહાડી જોવાતી નથી.”

“બાઈજી ! કુહાડી ડખડખી ગઈ છે તોય નીકળતી નથી.” નોકરે કમાડ પરથી સાદ દીધો.

કુટ્ટણીએ કમાડની બીજી બાજુ જઈને જોયું, કે કુહાડીનું પાનું ક્યાં અટકી ગયું છે.

એ અટકેલું હતું – એક આદમીની ગરદનની અંદર. આદમી કમાડની જોડે જડાઈ ગયો છે. કશુંક બોલવા મથે છે.

એ હતો તોયાનો પ્રેમી યુવાન, જેણે તોયાને કુટણખાને વેચી હતી.

*

જંગલમાં જલ્લાદ ધીરે પગલે પંથ કાપતો હતો : પછવાડે તોયા ચાલતી હતી. બન્ને વચ્ચે મૌન હતું : પંથ લાંબો હતો. ક્યારે બોલશે ! બોલશે ખરો ?