આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
125
 

કુરકુરિયાને હજુ કોઈએ ઉપાડ્યું નહોતું.

મૂવેલા બાળકને દફનાવીને લોકો પાછા વળ્યા. ત્યાર પછી થોડી વારે પટેલનો છોકરો પાંચિયો અને એના ચાર ભેરુબંધો મસાણમાં દાખલ થયા. બીતાં બીતાં તેઓએ એક ખાડો ખોદ્યો, ને તેમાં મૂવેલા કુરકુરિયાને દાટ્યું; ઉપર ધૂળનો ધફો વાળ્યો. ચોરાની કૂતરીએ એ ધફા ફરતાં ચક્કર મારી મારી આખી રાત રોયા કર્યું.

[2]

“ચાલો સહુ સૂબા-કચેરીએ.” એ સંદેશો ગામડે ગામડે ફરી વળ્યો. તમામ ગામડાંનાં વડીલ ખેડૂતોએ છૂપી છૂપી મસલતો કરીને નિર્ણય આણ્યો કે રાજ આપણા માવતર છે. માટે આપણે તો છોરુને દાવે ત્યાં જઈને રાજના પગમાં પડીએ. આપણા આપણા હકબકની વાતો નથી કરવી. ત્રાગાંય નથી કરવાં. લાડ કરશું. રાવ ખાશું. માટે સર્વ ચાલો સૂબા-કચેરીએ, બાઈઓને કહો કે ખભે ઘોડિયાં બાંધીનેય આવે. બૂઢિયાઓને કહો કે ડગુમગુ કરતા પણ ભેળા આવે જ રહે. માંદાં-દૂબળાંને આપણાં ગાડાં જોડીને લઈ હાલો. તમામ વસ્તી ભેળી થઈને અરજ ગુજારશું. મોંમાં ખાસડું લઈને દયા માગશું.

સૂબા-કચેરીનું કસ્બાતી ગામ થોડે છેટે હતું, માનવ-સમુદાયની નાનીમોટી સરિતાઓ ગામેગામથી વહી આવે છે. સૂબાકચેરીની ગોખમાં ઊભો ઊભો રાજનો હાકેમ માર્ગે માર્ગે બંધાયેલો જનપ્રવાહ જોઈને હળવા સ્વરે ઇશારો આપે છે કે “કચેરીના મકાન ફરતી ફોજને ગોઠવી દો. આ લોકોની ચળવળ ભયાનક બનશે.”

લોકમેદની શાંત સમુદ્રના હળવા એવા મોજા સમી ચાલી આવે છે, ને નિહાળે છે કે સૂબા-કચેરીને વીંટળાઈ ઊભેલા સૈનિકોએ બંદૂકો ઉઠાવી.

તમામ લોકોના હાથ શરણાગતિની નિશાની દેતા ઊંચા થયા.

સ્ત્રીઓએ પોતાના ખોળામાં ધાવતાં બચ્ચાંને ઊંચાં કર્યાં.

આજારોએ ગાડામાં પડ્યાં પડ્યાં પણ હાથ ઊંચક્યા.

આંગળીએ વળગીને હીંડતાં છોકરાં કજિયો કરવા લાગ્યાં કે “માડી મા, અમને સૂબા સા’બ દેખાડો. અમારે સૂબા સા’બ જોવા છે. અમને ઊંચા