આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
148
પલકારા
 

નીચા ઘરના દ્વારમાં દાખલ થનાર ઊંચા આદમીને કપાળે જેમ કમાડનું લાકડું અફળાય, તેવો કોઈક તીવ્ર અફળાટ પાંચાના અંતઃકરણે આ નાનકડા માનવીના છેલ્લા બોલમાંથી અનુભવ્યો. એને થોડી વાર તમ્મર આવ્યા જેવું થયું. મુલક બધો જેને પાંચો વીર ને પાંચો બહાદર કહી બિરદાવે છે, તેને મોઢામોઢ ડાકુ, લૂંટારો ને ખૂની કહેનારો પહેલવહેલો જ આ નાનકડો આદમી મળ્યો. થોડી વાર તો પાંચાને થયું કે આ ખડમાંકડી જેવા જંતુને બોચી ઝાલીને ઊંચે ઉપાડી પાંચ-દસ ઊઠ-બેસ કરાવું.

પણ એ નાના આદમીનાં નેત્રો હજુય પોતાની નિશ્ચલતા ટકાવી રાખી, ડાકુની સામે જોતાં, જવાબ માગી રહ્યાં હતાં. એ આંખોમાં પ્રશ્ન ચીતરાયો, હતો, ને પ્રશ્નની પછવાડે, તપતા સૂર્યની પાછળ સ્થિર શીતળ નીલામ્બર હોય છે તેવી અચંચલ ગંભીર શાંતિ હતી. એ શાંતિએ આ પશુ પર શાસન જમાવ્યું, આ રાક્ષસી માનવીને અકળાવ્યો. મોં શરમિંદુ બન્યું. એનાથી ફક્ત આટલું બોલાયું : “બહાદર કેમ નહિ ?”

“બહાદર કેમ નહિ !” હાડપિંજર જેવા માણસે એની એ જ સ્થિરતાથી ભરેલો અવાજ છાંટ્યો : “આગ લગાડે, લૂંટે, મારફાડ કરે, વસતિનાં દ્રવ્યની મૂઠીઓ ભરી ભરી ખુશામદખોરોને દાન દ્યે, ખાણીપાણી ને નાચ-ગાનની મોજ ઉડાવતો ફરે, એ માણસ બહાદર ? પોતાના બાપના ખૂનનો કીનો લઈ લહેર ઉડાવે એ બહાદર ? પચીસ જણાની ટોળી લઈ તલવારને દોરે પોતાની ‘જે ! જે !’ બોલાવે એ બહાદ૨ ?”

પાંચો કશુંક કહેવા જતો હતો. એને સમય આપ્યા સિવાય નાના આદમીએ પૂછ્યું : “પાંચા બહાદર ! તમારે મા હતી ?”

“હતી.”

“એવી જ ગર્ભવતી માતાઓને કાને પાંચાના નામની હાક પડતાં કાચા ગર્ભ વછૂટી જાય છે એ સાંભળ્યું છે ?”

પાંચાનું મોં ગરદનથી નીચે નમ્યું. એણે પોતાનો બચાવ કરવા જીભ ચલાવી : “હું રાજને ખેદાનમેદાન કરવા ઊઠ્યો છું. તમારા જેવું જ કામ કરું છું. મને તો તમારી પાસેથી શાબાશીની ઉમેદ હતી.”