આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
157
 

છાપાવાળાએ રાફડિયા દુહા રચ્યા. એમાં વારંવાર એક પંક્તિ આવતી હતી :

પાંચાનું મન પ્રાણ !
ભમતું બાંભરડા દીયે !

દુહા લખીને નીચે એક ચિત્ર દોર્યું. પછી પાંચાને જોવા દીધું.

પાંચાએ પૂછ્યું : “શેનું ચીતર ? આ બે પંખી શેનાં ? એની ચાંચમાં આ ડાળખી શી ?”

“ભાઈ ! પ્રેમની દુનિયામાં પારેવાનું એંધાણ મીઠું ગણાય.”

“અરે ગાંડા ! મારું એંધાણ પારેવું ?”

“ત્યારે ? કુંજડું ? સારસ ?”

“અરે બેવકૂફ, આ મારા દેદાર તો નિહાળ ! મારે માટે લાયક પ્રેમનું ચિહ્‌ન શું કે’વાય ?”

“શું ?”

“ખૂંટડો !”

પત્રકાર હસ્યો.

“ના. હસવું નથી. આ કંગાલિયા પંખીનું ચીતર છેકી નાખ. ને ત્યાં આખલો આલેખી દે.”

“પણ પ્રેમના પત્રમાં ?”

હા, હા; આલેખી દે, નીકર મારી આબરૂ જાશે. પાંચાનું એંધાણ તો આખલો જ હોય.”

છાપાવાળાને ચિત્રમાં ફેરફાર કરવો જ પડ્યો. ને પ્રેમપત્ર રવાના થયો.

*

આખરે એક દિવસ, ઢેલીડા ગામની માતાના દેરામાં જ્યારે પાંચા ને પટેલની કન્યાની છેડાછેડી બંધાવાની તૈયારી થઈ ત્યારે ગામલોકોની ઠઠ જામી. લોકો તરફ ખડા થઈને પાંચાના પુરોહિત બનનાર એક રાજગર કોમના સાથીએ સંભળાવ્યું : “ભાઈઓ ! આ લગનની વિરુદ્ધ જો કોઈ હોય