આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
12
પલકારા
 

છોકરાઓ ચૂપ થયા. માસ્તર સાહેબે ચશ્માં, ચોપડીઓ, ગલપટો વગેરે એકઠાં કરતાં કરતાં કહ્યું : “વિદ્યાર્થી ભાઈઓ ! આવતી કાલનાં લેસન સાંભળી લ્યો : આવતી કાલે તમે બધા આજે શીખવેલાં સૂત્રો પર વિચાર કરી લાવજો ને હવે અત્યારે તમને બધાને હું રમતગમતની છુટ્ટી આપું છું. મારી તબિયત ઠીક નથી.”

કિકિયારીઓ કરતા તમામ નિશાળિયા બે જ મિનિટમાં વર્ગ છોડી ચાલ્યા ગયા. ને માસ્તર સાહેબ સ્કૂલની સોટી ઊંચે કબાટ પર મૂકીને ઊંચી વ્યાસપીઠ પરથી નીચે ઊતર્યા. ખાલી ખંડની એણે છેલ્લી વિદાય લીધી. એમનો નિઃશ્વાસ ઓરડામાં જાણે કે પછડાયો.

બારણાની બહાર નીકળતાં એને કશુંક યાદ આવ્યું. એ પાછા વળ્યા. ઓરડાની વીજળી-બત્તી બળતી રહી ગઈ હતી. તેની ચાંપ દાબીને દીવો ઓલવ્યો.

[2]

માસ્તર સાહેબ “ફક્કડે ફક્કડ” જ હતા. એમનું વેવિશાળ થવું શાથી રહી ગયેલું તેની આપણને કશી ખબર નથી. પણ ઘણાં માણસો રેલવે સ્ટેશન પર પહોંચતા જ ગાડી ચૂકી જાય છે તેવી રીતે માસ્તર સાહેબનું સગપણ પણ થતાં થતાં જ રહી ગયેલું. ને પછી તો લગ્નની બાબતમાં પોતે પુરુષાર્થ કરતાં તકદીરની વાતને વિશેષ માનતા હોવાથી એવી જ રાહ જોતા બેઠા રહ્યા કે જીવનમાં કંઈક નવાજૂની આપોઆપ થશે; પોતાની જાણે જ કોઈ જીવનપાત્ર જીવનમાં ખેંચાઈ આવશે; કશોક એવો અવસર એની મેળે જ ઊભો થશે.

ન્યાતમાં કન્યાઓ તો ઘણી હતી. ને ઘણાંખરાં માબાપ પોતાની અભણ છોકરીઓને સારુ પણ ગ્રેજ્યુએટોને જ શોધવા નીકળતા. એટલે માસ્તર સાહેબને રહી જવું ન પડત; પરંતુ એમની શરમાળ પ્રકૃતિનો લોકોએ એવો અર્થ કર્યો કે માસ્તર સાહેબ વિદ્યાને જ વરેલા છે, ને એ પ્રિય પત્ની ઉપર કોઈ શોક્ય લાવવાની એમને ઇચ્છા જ નથી. લોકોની આવી માન્યતામાં પોતાની શોભા સમજીને માસ્તર સાહેબ ચૂપ રહ્યા.