આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માસ્તર સાહેબ
13
 

આ રીતે માસ્તર સાહેબ રહી ગયા તે રહી જ ગયા. દરમ્યાન તો કન્યાઓને વરની પસંદગી કરવાના અધિકારો મળ્યાનો નવો યુગ જ બેસી ગયો. ને એ નવા અધિકારથી વિભૂષિત પ્રત્યેક કન્યા – રૂપાળી કે કદરૂપી, કાળી કે ગોરી – રૂપાળા વરને જ પોતાનો અધિકાર માનતી થઈ ગઈ. તેથી માસ્તર સાહેબને ઘણો અન્યાય મળ્યો. એમની ચચ્ચાર દિવસની હજામત તેમ જ ત્રણ જાતનાં બટનોની નીચે છુપાયેલું તેમનું રૂપ કોઈ કન્યાએ કબૂલ રાખ્યું નહિ.

આવા બધા અન્યાયોને છાતી પર ચાંપી માસ્તર સાહેબ બે દિવસ ઘરમાં જ પડ્યા રહ્યા. પોતાની કશીક કસૂર થતી હોવી જોઈએ, નહિતર આમ કેમ બને ? – એ વિચારસરણી ચાલતી હતી. પોતાની ભૂલ પોતે પકડી શકતા નહોતા.

એવામાં એમના પર ટપાલમાં એક પત્ર આવ્યો. શહેરના દૂર દૂરના લત્તામાં રહેતાં કોઈ સન્નારી એમને મળવા તેડાવતાં હતાં. પત્રમાં ચોખવટ થયેલી હતી કે તમે હાઈસ્કૂલમાંથી છુટ્ટા થયા છો એટલે તમારી નોકરી સંબંધમાં જ મળવું છે. આ સ્ફોટ ન થયો હોત તો માસ્તર સાહેબ એક સ્ત્રીજનને મળવા જવાની હામ ન ભીડત. કોણ જાણે શાથી પણ પોતાના સૌન્દર્યનો આવો કશોક ખ્યાલ, જુના જમાનાના વહેમની માફક, એમના મનમાં રહી ગયો હતો. ઘરનો અરીસો ઘણીક વાર ઘણાને માટે આવો છેતરામણો થઈ પડે છે. કેમ કે કાચની પણ સાચી અને ભ્રામક એવી જુદી જુદી જાતો હોય છે.

ખરી વાત તો એ હતી કે માસ્તર સાહેબ સ્ત્રીઓથી ભડકી ઊઠતા. એમનું આ ભડકવું ઊંટથી ભેંસના ભડકવા જેવું, કૂતરાથી બિલાડીના ભડકવા જેવું અને ચંપાના ફૂલથી ભમરાના ભડકવા જેવું તદ્દન નિષ્કારણ કિંવા સ્વાભાવિક હતું. વ્યવહારનાં માનવીઓ આવા માણસને ‘મીઠા વગરનો’ કહી નકામી બદબોઈ કરે છે.

[3]

બંગલાના દીવાનખાનામાં બે જણ બેઠાં હતાં : એક પચીસ-ત્રીસ