આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માસ્તર સાહેબ
15
 

“બેસો, પ્રોફેસર સાહેબ !” બાઈએ ખુશી બતાવી,

માસ્તર સાહેબને ‘પ્રોફેસર’ શબ્દ મીઠો લાગ્યો; જગતમાં એકાદ સ્થળે કદરદાની પડી છે એવું ભાસ્યું.

“કેમ છો, પ્રોફેસર સાહેબ ?” ગૃહસ્થે હાથ લંબાવ્યો. : “ઓળખો છો ?”

“ઓહો, સાહેબજી !” કહી મારતર સાહેબે ચશ્માં આઘાંપાછાં કર્યા. ઓળખાણ પડી. હૈયામાં ફાળ પણ પડી, જે વિદ્યાર્થીને ખાતર પોતાને બરતરફ થવું પડ્યું એના ખુદના જ આ પિતાજી હતા.

“બેસો, પ્રોફેસર સાહેબ !”

“જી, હું તો સામાન્ય માસ્તર છું.”

“ફિકર નહિ. હું તમારી હાંસી નથી કરતો. હું તમને બતાવી આપીશ કે યુનિવર્સિટીને પોતાનો ‘ફેમિલી ઍફેર’ કરીને બેસી જનારા સાલા પેલા મેમ્બરો તમારી કદર ન કરે તો પછી તમારી કદર કરનારો પ્રજાવર્ગ પડ્યો છે કે નહિ ? પરંતુ એ વાત પર આવતાં પહેલાં હું તમારી ક્ષમા માગું છું. તમને ખબર નહિ હોય કદાચ, કે તમારે મારા જ છોકરાને ખાતર બરતરફ થવું પડ્યું છે. પણ હું શું કરું, પ્રોફેસર ? મારાં પત્નીની હઠીલાઈ પાસે મારું કશું ચાલ્યું નહિ.”

“કંઈ નહિ, સાહેબ !” માસ્તર સાહેબને ઊલટાની લજ્જા આવી : “મારી દાનત સાફ હશે તો ઈશ્વર મને ભૂખ્યો નહિ સુવાડે.”

“હવે શું કરવા માગો છો !”

“ટ્યૂશનો આપીશ, બીજું તો શું કરું ?”

“કેટલુંક મળશે ?”

“મહિને પોણોસો-સો તો મળી જ રહેશે ને, સાહેબ ?”

“સાંભળો, પ્રોફેસર સાહેબ ! તમને હું પાંચસોની નિમણૂક અત્યારે જ લખી આપું તો ?”

“વાર્ષિક ?”

“ના, માસિક, છો તૈયાર ?”