આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
પલકારા
 

“સાહેબ !” માસ્તર ઊભા થઈ ગયા : “આપ મને ધર્માદો કરવા, માગો છે ? હું લાંઘણો ખેંચીશ. પણ હરામના પૈસા નહિ રવીકારું. સ્વમાન મને પણ વહાલું છે, સાહેબ.”

“સાંભળો સાંભળો, પ્રોફેસર ! હું તમને સખાવત કરવા નથી માગતો. તમારા રૂ. 500ની સામે મારે પણ સારી કમાણી થાય તેમ છે. મારી કોલન વૉટરની ફેક્ટરી પર તમારી નિમણૂક કરવા માગું છું. તમે છોકરાં ભણાવીને શું ઉકાળશો ? પ્રેક્ટિકલ કામ કરી વિદ્યાને દેશની સમૃદ્ધિ માટે વાપરો, પ્રોફેસર ! તમે તમારી કિંમત ન સમજી શકો, પણ અમે વેપારીઓ સમજીએ છીએ.”

આખી યોજનાનો સ્ફોટ થઈ ગયો. માસ્તર સાહેબ એક કહેવાતી રસશાળાના અધિષ્ઠાતા બન્યા. નિમણૂકનો પત્ર ત્યાં ને ત્યાં લખી આપવામાં આવ્યો.

“ને પ્રોફેસર સાહેબ !” ધનપતિએ ઉમેર્યું, “રસશાળાના કાર્યમાં આ બહેન તમારાં મદદનીશ રહેશે. એ પણ સાયન્સનાં ગ્રેજ્યુએટ છે.”

“ઓહો, બહુ જ સારું. ઘણી જ સરસ વાત.” હર્ષ પામતાં માસ્તર સાહેબ એ બેઉને નમન કરી પાછા વળ્યા. એમણે સમજી લીધું કે એ બહેન પેલા ધનપતિનાં પુત્રી અથવા ભાણેજ કે ભત્રીજી હોવાં જોઈએ.

[4]

શહેરની દીવાલે દીવાલ ‘પ્રો …’નું નામ પોકારતી થઈ ગઈ. ભીંતો પર, થાંભલાઓ પર, આગગાડી અને ટ્રામ-બસગાડીઓના ડબ્બાઓમાં, નાટકો ને સિનેમાના પડદા ઉપર, નવનવે રંગે, નવનવે રૂપે, વિવિધ કુનેહથી, ચક્કર ફરતી કે ઓલવાતી-ઝબૂકતી દીપક-વાણીમાં વાતો કરતી, એક સુંદર જાહેરાત લોકોની આંખોમાં જાદુ આંજતી વ્યાપી રહી હતી : ‘પ્રોo …નું કોલન વૉટર : પ્રોo… નાં આસવો, શરબતો, ઈસેન્સ…’

અને એ બધી જાહેરાતોમાં મહા તત્ત્વવેત્તા સમા શોભતા પ્રોફેસર સાહેબ ઊભા હતા - કોઈ તાવમાં તરફડતી સુંદરીના લલાટ પર કોલન વૉટરનાં પોતાં મૂકતા, કોઈ માયકાંગલા બાળને શીશી પાઈ તત્ક્ષણે જ