આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
પલકારા
 

ધર્માલય શરીરને અને આત્માને બન્નેને.

મઠના પુરાતન દરવાજા ઉપર આઠેય પ્રહર તાળું રહેતું. અરધો ગજ લંબાઈની એની ચાવીઓનો મોટો ઝૂડો સાચવતી એક સિત્તેર વર્ષની બુઢ્‌ઢી, સાધ્વી ત્યાં સૂનમૂન બેસી રહેતી. બહારથી કોઈ દરવાજો ઠોકતું ત્યારે પ્રથમ પહેલાં એ બુઢ્‌ઢી સાધ્વી બીતી બીતી કમાડ સોંસરવાં ચાર ઝીણાં બાકોરાનું ચગદું ઉપાડીને નજર કરતી. સાઠ વર્ષના એક દાક્તર સિવાય ત્યાં કોઈથી દાખલ થવાતું નહોતું. દાક્તર સિવાય કોઈ પુરુષનું મોં જોવું એ ત્યાં મહાપાપ લેખાતું.

પ્રભાતના ધર્મપાઠ હજુ હમણાં જ પૂરા થયા હતા. 'નવાં મૈયા'ને આટલા બધા દિવસ થયા છતાં ધર્મપાઠ મોંએ નહોતો ચઢતો. પોથીનાં પાનાં હંમેશાં સામે જ રાખવાં પડતાં. વારંવાર ધ્યાનચૂક થઈ જવાતું. ધર્મપાઠ કયા પાના પર ચાલે છે તેની શોધમાં 'નવાં મૈયા' પોથી ઉથલાવીને વ્યર્થ ફાંફાં મારતાં. પાઠ કરતાં કરતાં ઊઠબેસની, વંદનાની, દિશાઓ બદલાવાની, હાથપગની જુદીજુદી નિશાનીઓ કરવાની વગેરે ક્રિયાઓમાં સહુની સાથે રહેવાનો ધડો એને હતો નહિ. ધર્મવિધિમાં એની પાસે ઊભતી ત્રણ જુવાન મૈયાઓ 'નવાં મૈયા'ને પ્રત્યેક ક્રિયામાં શામિલ રાખવા પ્રેમભરી કોશિશ કરતી. પણ એ વાત આશ્રમનાં ગોરાણીને, મોટાં મૈયાને ગમતી નહોતી.

મોટાં મૈયા એ સાધ્વીવિહારના કરડા સંયમનિયમોની જીવતી મૂર્તિ હતાં. પાપ વિષેની એની જાગ્રતબુદ્ધિ અજબ હતી. જુવાન મૈયાઓ જો જરી વધુ મોં મલકાવતી તો મોટાં મૈયા એ મલકાટમાં પ્રગટ થતા પાપને તુરત પારખી કાઢતાં. જરીક વધુ આનંદભર્યું હાસ્ય સંભળાતાં તો એની કરડી મુખમુદ્રા બોલી ઊઠતી કે “ખિખિયાટા ! આવા ખિખિયાટા ! મૈયાઓ ! નરકે જવાનો જ એ રસ્તો છે! ચુપ રહો! ખિખિયાટા છોડો !”

“કંઈ નહિ, કંઈ નહિ, મૈયા !” એનાં જોડીદાર એક બીજાં ગોરાણી પોતાનું પંચાવન વર્ષનું ભદ્ર મોં ઊંચું કરીને મોટાં મૈયાની કરડાટી પર કોમલ ભાત પાડતાં : “બાપડી હજુ તો જુવાનડીઓ છે. પાપ-ધર્મનું ભાન ચૂકી જાય છે. પણ કાળક્રમે ઘડાઈ જશે. ક્ષમા કરો !”