આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
37
 



(3)

“આજનો દા'ડો ! મોટાં મૈયા ! કૃપા કરીને આજનો દા'ડો !”

“હા હા, મૈયા ! ભલાં થઈને આજનો દા'ડો પાઠ બંધ રાખો.”

“હા, એક ફક્ત આજે જ છુટ્ટી આપો, મૈયા !”

“ફરીને અમે છ મહિના સુધી છુટી નહિ માગીએ, મૈયા ! દયા કરીને આજનો દા'ડો.”

પચાસ પૈકીની ચાર જુવાન સાધ્વીઓ આજે બેઉ વડી ગોરાણીઓને કરગરી કરગરી રોજિંદા શાસ્ત્રપાઠમાંથી એક જ દિવસની છુટી માગી રહી હતી.

“પાઠ બંધ રખાય?” વડાં ગોરાણીનું મોં ચડી ગયું. “એવી પાપની વાતો શી? નિયમનો ભંગ એ કંઈ જેવું તેવું પાપ છે?”

“કૃપા કરીને.....”

“ખબરદાર, તમે ચારેય જણીઓએ બહુ ઉપાડો લીધો છે !”

“પણ મૈયા! અમે એ પાપનું નિવારણ કરી લેશું.”

“નહિ હું એમાં હા કહું તો મને પાપ આવે. શાસ્ત્રો બનાવનારા શું મૂરખા હતા? કરવું નહિ, કરાવવું નહિ, કરતાં રૂડું જાણવું નહિ, એ ત્રણ..”

“પણ મૈયા! જાઓ, તમારું પાપ પણ મારે માથે.”

એટલું બોલતી એક થનગનાટ કરતી યુવાન સાધ્વીએ ખડખડાટ મધુર હાસ્ય છેડ્યુંઃ ઝાડની લીલી ડાળી પરથી જાણે 'કિલ કિલ કિલ' નાદે એકસામટાં ત્રણ-ચાર પક્ષીઓ ઊડ્યાં.

એક ક્ષણમાં તો, એ પક્ષીઓ કોઈ ઝેરી હવામાં રૂંધાઈને ચૂપ બની જાય તેમ આ હાસ્ય થંભી ગયું.

આવડું અટ્ટહાસ્ય! ધર્માલયમાં આવડી મોટી મશ્કરી ! ઉચ્છૃંખલતાની અવધિ !

વડાં મૈયાની મુખરેખાઓ ધનુષ્યાકાર ધારણ કરી રહી. આવડું જોરાવર હાસ્ય આ ત્યાગભવનની ભીંતો ઉપર કદી નહોતું પછડાયું. સંયમ, પશ્ચાત્તાપ અને નિયમોના અવિચલ પાલનની આ પુરાતન ભૂમિમાં જાણે