આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
39
 

એમ પરસ્પર ગળે બાઝી, ગાલે ગાલ ચાંપી, હાથમાં તાળીઓ લેતાંદેતાં, હૈયાના અનેક વણપૂર્યા ઉલ્લાસને રમાડતી ચારેય યૌવનાઓ નયનોમાં મોરલા નચાવે છે, ત્યાં તો ઓચિંતું મોટા દરવાજા પર કોઈનું રુદન સંભળાયું.

ચારેય જણીઓ ચમકી ઊઠી: પોતાની ગુપ્ત બેઠકને જાણે કોઈ બહારની આંખો જોતી હશે! આ હાસ્યકલ્લોલને કોઈ છૂપા કાન સાંભળતા હશે !

રડવાના સ્વરો ફરી સંભળાયા.

ડગલે ને પગલે પાપનો ભય જેમનાં જીવનને વ્યાપ્ત કરી રહેલ હતો, તે આ સાધ્વીઓ ફફડી ઊઠી. એકબીજીને ચુપચાપ ચેષ્ટાઓ કરવા લાગી. માંડ માંડ આખરે એક જણી ચાલી. ધીરે ધીરે દરવાજા પાસે પહોંચી, ચાર ઝીણાં છિદ્રો પરથી ચગદું ફેરવ્યું. બહારની દુનિયામાં છૂપી દૃષ્ટિ કરી.

આત્માના આ વિકરાલ કારાગારને ઉંબરે ફક્ત પારેવાં ચણતાં હતાં. મસ્તાન નર-કબૂતરો ડોક ફુલાવીને પોતપોતાની માદાઓની પાછળ દોટ કાઢતાં હતાં. નાનાં નાનાં પીંછાંના પણ વીંઝણા રચીને પક્ષીઓ નૃત્ય કરતાં હતાં.

એક પછી એક ચારેય જણીઓએ જઈ નાનાં કાણાં વાટે જગતને જોયું. પારેવાની પ્રણય-ક્રીડા દીઠી. છિદ્રો વાટે બહાર સરી જવાનું મન થયું.

પાછાં આવીને ટેબલ પર બેઠાં. પાછો અવાજ આવ્યો. ફરીને ચારેય જણાં થડક થડક થઈ રહ્યાં. જાણે પ્રભુ પોતે જ તેઓનાં આ પાપાચરણને બળતો બેઠો છે ! ચારેયના ચહેરા પરથી હોશ ઊડી ગયા.

પણ આ વખતનો અવાજ જુદે ઠેકાણેથી – જાણે પૃથ્વીના પડ નીચેથી આવતો હતો. ચારેયનું ધ્યાન દરવાજાની બાજુમાં જે દીવાલ હતી ત્યાં સંધાયું.

બહારના જગતમાંથી અંદર લાવવામાં આવતી રોજિંદી ચીજવસ્તુઓને અંદર પેસવાનો એ રસ્તો હતો. એ એક ચક્કર હતું. ચક્કરની એક બાજુ ઢાંકણ હતું. બીજી બાજુ ખાનું હતું. બહારનો મનુષ્ય ખાનામાં ચીજ ગોઠવી દેતો. ને પછી અંદર ઊભેલી એંશી વર્ષની દરવાન