આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
41
 

“તે શું થઈ ગયું? ભેખ પહેર્યો છે તેની મશ્કરી કરાવો છો કે? જરા તપાસ્યું કે એ છોકરો છે કે છોકરી? છોકરાને તમારાથી અડકાય કે? ઘોર પાપ –"

બધાં ચુપ બન્યાં. આખરે સ્ફોટ થયો: “મૈયા ! આ તો છોકરી છે, છોકરી !”

“પણ છોકરી છે તે શું થઈ ગયું? કોઈક નીચ પાપણીના પેટનું એ પાપ અહીં આપણાથી કેમ રખાય?”

“પણ મૈયા ! એની મા પાપણી એમાં આ બાપડી છોકરીનો શો ગુનો?”

“શો ગુનો ! એની શી પંચાત ! દીક્ષા લીધેલ છે તે તો પાળો, માવડીઓ! આ ધર્મનું સત્યનાશ...”

મોટાં ગોરાણીનું મોં એવા શાપ વરસાવતું રહ્યું. દરમિયાન પચાસેય સાધ્વીઓનું ઝૂમખું બાળકની ટોપલી ઉપર ઝળુંબી રહ્યું. સર્વની મોખરે ભદ્ર સ્વભાવનાં નાનાં ગોરાણીની કરુણાળુ આંખો નીતરતી હતી, ધર્માલયની રૂંધેલી હવામાં નવો વાયુહિલ્લોલ વાતો હતો. પચાસેય છાતીનું ચિપાઈ ગયેલું માતૃત્વ છલછલ થતું હતું. વૈરાગ્યના સુકાઈ ગયેલા હોજ સમા ચહેરાઓમાં ચૈત્ર માસની સરવાણીઓ ફૂટી નીકળી હતી. અને બીજી બધી સાધ્વીઓ જ્યારે બાળકનું શું કરવું એ બાબત પર, તેમ જ દોષાદોષ પર જોરશોરથી દલીલો કરી રહી હતી, ત્યારે નવી મૈયાએ બીજું સઘળું ભાન ભૂલી જઈ, જગતના કે ધર્માલયના અસ્તિત્વ પ્રતિ બેભાન બની, કરંડિયામાં સૂતેલી છોકરીની જોડે એકતાર જીવન કરી નાખ્યું હતું. કાલી બનીને એ બબડતી હતી : “હાં – હાં ! હું મરું રે મરું ! નાનકડી બાબી ! ના...નકી બાબી ! ખમા તમને ! દેવતાનાં રખવાળાં તમને ! હાં.. હાં ! હસો છો? હસો ! ખૂબ હસો ! ક્યાંથી આવ્યાં તમે? કોણે મોકલ્યાં તમને? મા ક્યાં ગઈ મૂકીને? માએ કેટલી ચૂમીઓ ભરી'તી તમને છોડતાં છોડતાં?”

આવા આવા પ્રશ્નો એ બબડતી હતી. ટોપલીમાં બાળ હસતું હતું. એનો હાથ ઊંચો થતો હતો. સાધ્વીનું મોં નીચે નમતું હતું. બાળકની