આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
પલકારા
 

ટીપે, ટીપે...

(7)

“લાવો લાવો કાંસકી મારા હાથમાં, મૈયા! તમને ક્યાં બાબીનું માથું ઓળતાં આવડે છે?”

“અરે, પણ આ સેંથો જુનવાણી રીતનો સીધો શું લ્યો છો તમે, મૈયા ? રૂપા...ળો જમણી આંખની ભમ્મર ઉપરથી બરાબર ખેંચો ને!”

“હવે તમે કંઈ સમજો નહિ, ને શું વચ્ચે ડંફાસ મારતાં હશો, મૈયા? કહું છું, કે બાબીના ગરાસણી જેવા મોંને તો વચ્ચોવચ્ચનો સેંથો જ શોભે.”

“તો તો પછી સેંથામાં હીંગળો પૂરવો પડશે ને ?”

“હા ભૈ હા, હીંગળાની દાબડી ઝટ મગાવી લો ને ! હીંગળો જ ભૂલી ગયાં ?”

એ રીતે બાબીના લગ્ન-શણગારની ધમાચકડી લાગી પડી હતી.

આશ્રમ જાણે લગ્નમંડપ બન્યો હતો.

બાબી મંદમંદ મલકતી શાંતિથી ઊભી હતી. ફૂલની આસપાસ વીંટળાતી મધમાખો જેવી સાધ્વીઓ, બાલબ્રહ્મચારિણીઓ તેમ જ વિધવાઓ, બાબીને વીંટળાઈ વળી હતી.

મોટાં ગોરાણી મૈયા આ સત્યાનાશ ઉપર છણકા કરતાં બેઠાં હતાં : “અંદરખાનેથી તમને સહુને પરણવાના કોડ રહી ગયા છે : માતેલા ખૂંટડા જેવી – મોઈઓ ! મફતનું ખાઈ બગાડયું.”

“હાં, હવે પાનેતર લાવો. ચૂંદડી લાવો.”

બાબીના સીધા સોટા જેવા સુડોળ દેહ ઉપર શ્વેત આછું પાનેતર ઝૂલવા લાગ્યું. તેની ઉપર યુવાન સંન્યાસિનીઓ ચૂંદડીના પાલવ ગોઠવવા મંડી પડી.

એકાદ જણીથી ન રહેવાયું; એ ગુંજવા લાગી :

ઓઢોને, બેનડ, ચૂંદડી :
મારો નખના પરવાળા જેવી ચૂંદડી !
ઓઢોને, બેનડ, ચૂંદડી !