આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
50
પલકારા
 

મારી 'બાબી’ની સાચી માતાઓ છો. તમારે ખોળે ઊછરીને એ મારા જીવનમાં આવી છે. હું પણ તમારો પુત્ર નથી શું? મારી માનું મોં જોયાનું મને યાદ નથી. મારી સન્મુખ હું તમને તમામને મારી જનેતારૂપ જોતો ઊભો છું. મને એક વાર તમારાં મોં નહિ બતાવો શું?”

“મૈયાઓ ! મોં ખુલ્લાં કરી નાખો.”

એ અવાજ વડાં ગોરાણીનો હતો. પચાસ વર્ષોથી જેણે “પાપ પાપ” કરીને પોતાનું તેમ જ શિષ્યાઓનું જીવન જલાવી નાખ્યું હતું તે, નિત્ય નિત્ય ટોણાં મારનારાં, વાતવાતમાં નિયમભંગ બતાવનારાં તે જ ગોરાણી છેવટે બોલી ઊઠયાં: “મૈયાઓ ! મોં ખુલ્લાં કરો.”

પ્રત્યેક મોં ઉપર દડદડ અશ્રુધાર ઝરતી હતી. બાબીનો વર આ વાત્સલ્યમૂર્તિઓને ધારી ધારી નિહાળતો હતો.

સાધ્વીઓનું પ્રત્યેક આંસુ નાનું બચ્ચું બની જાણે રમવા દોડી જતું હતું.

“બાપુ” બાબીએ દાક્તરને છેલ્લી ભલામણ દીધી : “મૈયાઓને છોડીને કદી જતા નહિ, હો !” કહેતાં કહેતાં બાબી રડી પડી.

“હો બેટા !” દાક્તરે મુશ્કેલીથી જવાબ દીધો: “હું હવે બીજે ક્યાં જઈશ? મારી સાચી માતાઓ કહું, કે દીકરીઓ કહું, તો તે આ મૈયાઓ જ છે."

-ને જ્યારે એ નવદંપતીને લઈ જતી ગાડીના “પટ્‌ પટ્‌... પટ્‌ પટ્‌’ એવા અવાજ આઘે આઘે નીકળી ગયા, ત્યારે નવી મૈયા ઝાડના થડ પર દેહ ઢાળીને, આકાશના તારા તારા જેવડાં આંસુ પાડતી હતી.

તારાઓ હોઠ પટપટાવી કહેતા હતા : “મા ! મા ! મા ! મા !',