આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
પલકારા
 

“આવો આવો, ભલે આવ્યાં, માનવી ભલે આવ્યાં !” કહી એણે મહેમાનોને સત્કાર્યો ને એ ગાડીના કુત્તાને પોતાને જ હાથે દોરતો અંદર ખેંચી આવ્યો.

“આબા ! આબા !” માલાએ ધીરે સાદે બૂમ પાડી. એના ઊંડા કૂબામાંથી એની ઓરત આબા ઘૂંટણભર નીકળીને સામી આવી; પૂછ્યું : કેમ, માલા?

“આબા ! મહેમાન છે. જલદી મચ્છી ને બતકો શેકી નાખો, મહેમાન ભૂખ્યા હશે; થાક્યાપાક્યા હશે. જલદી ઉતારો કરી આપો.”

“રૂડી વાત, માલા ! મહેમાનની ગાડી છોડી નાખો, કુત્તાને બાંધી વાળો, ગોસ નીરો, ત્યાં તો હું મચ્છીમાંસ તૈયાર કરી નાખું છું.”

એમ કહીને પાતળી સોટા સરખી, મોટી મોટી આંખોવાળી, કૂણા ચામડાની સુરવાળ અને લાંબા પહેરણે શોભતી હાસ્યભરી આબા પાછી કૂબામાં ઊંડી ઊતરી ગઈ.

“અલ્યા જુવાનો ! અલ્યા છોકર્યો !” માલાએ ગામલોકોને હાક મારી : “જો...પેલો ભાંગેલો કૂબો રિયો. હાલો જોઉં, મારા ભાઈઓ ! બેલાં ચડાવીને મેમાનોને કુબો તૈયાર કરી આપો.”

માલાની જબાન કામ બતાવે તો તેથી પણ ફુલાઈ જતાં લોકો કૂબો ચણવાના કામે વળગ્યાં. બરફનાં સરખાં બેલાં ગોઠવાવા લાગ્યાં.

પરોણાની બેઉ સ્ત્રીઓ માલાના ભાવભર્યા આચરણથી અંતરમાં ભીંજાઈ ગઈ. મોટી હતી તેણે “ખી...ખી...ખી...ખી' હસવા માંડયું. નાનીએ માલાના મોં તરફ વારે વારે માયાભર્યા નયનો ઠેરવીને અહેસાન દર્શાવ્યો.

કુત્તાને છૂટા કરવામાં મદદ દેતાં દેતાં માલાએ મહેમાનને પૂછવા માંડયું: “ક્યાંથી આવે છે મોંઘાં માનવી?”

“...ગામડેથી.’

“કેમ ઉચાળા ભરીને નીકળવું પડ્યું ?”

“લોક એદી બન્યાં : ઉનાળે શિકારનો ને શીંગડાંનો સંઘરો કરે નહિ. સંપ તૂટી ગયો. આઠ મહિના દરિયો થીજે, એટલે ભૂખે મરવું !”