આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પકડવામાં ય વિદેશી ભાષાનું, વિચિત્ર અમેરિકન ઉચ્ચારોનું, પાત્રોને ભજવતાં મૂળ નટનટીઓની પણ નિરનિરાળી ઉચ્ચારખૂબીઓનું, તેને સંઘરનારું ધ્વનિયંત્રોની સારી-માઠી સ્થિતિનું, અને છેલ્લે એ તમામને પ્રતિધ્વનિત કરનારાં થિયેટરોનું બંધન આપણી ઝીલણ-શક્તિને નડતર કરે છે. તે ઉપરાંત, ‘એસ્કિમો’ સિવાયનાં પાંચેય ચિત્રો મેં અક્કેકી વાર જ જોયાં છે.

આમ કોઈ વિરાટની આંખના વેગવંતા પલકારા દરમિયાન એની કાળી પાંપણો વચ્ચે મારાથી જે કંઈ પકડી લેવાયું, તેને મેં સ્મરણ-મંદિરમાં સુવાડી લીધું. પવનવેગીલી એ તેજપગલીઓની આછી આછી મુદ્રા મેં મારા ચિત્તપ્રદેશ પર અંકાઈ જવા દીધી. ને પછી મેં મારા અંતઃકરણની આરપાર ચાલ્યાં ગયેલાં એ અતિથિઓની અખંડ સ્મરણ-સાંકળી વેરણછેરણ અંકોડામાંથી ઊભી કરી.

સંવાદો મોટે ભાગે મારા જ છે. બનાવોની સંકલના મૂળની છે. કાપકૂપ મેં ખૂબ કરી છે. સ્મરણની પ્રતિમાઓને એના સાચા સ્વરૂપે પ્રકાશવામાં આવતો કુથ્થો મેં ફગાવી દીધો છે. બનતા બનાવોને જ મેં તો જોઈને ઝીલી લીધા છે. બનાવોના બયાન માત્રમાં જે કલા મૂકવાથી બનાવો જીવતા બને છે, તે કલા જો હું આમાં મૂકી શક્યો હોઉં તો તે મારા મનોરથને સંતોષવા માટે બસ થશે.

ચિત્રપટની કલા તો એના હરકોઈ પાત્રની એકાદ મુખમુદ્રા ઉપર, એકાદ અંગમરોડની અંદર, એકાદ નયનપાતમાં, એકસામટા કૈક મનોભાવો મૂકી આપે છે. વાર્તાલેખકને એ એક જ પલકારનું સવિસ્તર પૃથક્કરણ કરવું પડે છે. એને પોતાની કલ્પનાનો દોર છુટ્ટો મૂકવો પડે છે. પાત્રને જાણે કે એ પંપાળી પંપાળી પોતાની કને વારંવાર બોલાવે છે એ એક કરતાં વધુ વાર પૂક્યા કરે છે કે ‘કહે જોઉં ! તેં તારા એ એકાદ હાવભાવની પાછળ શા શા મનોવ્યાપાર છુપાવી રાખ્યા હતા ?’

‘પ્રતિમાઓ’ની નવ અને ‘પલકારા’ની છ મળીને એ પંદરેય કથાઓનાં પાત્રોને એક અથવા ક્વચિત્ બે વાર પડદા ઉપર ઝડપી નજરે જોઈ લીધા પછી મેં કોણ જાણે કેટલી કેટલી વાર એ બધાંને એક પછી એક મારી પાસે તેડાવ્યાં હશે : સ્વપ્નમાં ને જાગૃતિમાં, મિત્રો જોડેના વાર્તાલાપમાં

[7]