આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
80
પલકારા
 

“તારા ગળાને ફરતું દોરડું વીંટાળશે, તને ઊંચે લટકાવશે; તારા માથામાં નીંદર ભરી દેશે.”

[14]

દુભાષિયો ગયો ને ગોરા ભાઈબંધો દાખલ થયા. ભાઈબંધ હન માલાની પાસે ગયો; લટકતી હાથકડી માલાના એક કાંડામાં પહેરાવવા લાગ્યો.

માલો જાગતો હતો; શાંતિથી હાથકડી પહેરી રહ્યો હતો. એ ફક્ત એટલું જ બોલ્યો : “માનવીએ જબાન દીધી હતી તે ભૂલી ગયાં, માનવી ?”

હન ગંભીર સ્વરે બોલ્યો : “લાચાર છું. માલા ! મારી જબાન કરતાં, વધુ જોરાવર એક જબાન બોલી ચૂકી છે.”

“કમજોર જબાન મર્દની મર્દાઈને હણે છે, ભાઈબંધ !”

માલાએ હિમસાગરના પ્રત્યેક સંતાનનો જીવનસિદ્ધાંત ઉચ્ચાર્યો.

હાથકડીની ચાંપ બિપાયાનો અવાજ થયો. ગોરાએ બત્તીની જ્યોત ઝાંખી કરી; ગરમ કામળની સોડ્યમાં પેસીને એણે આંખો મીંચી.

ધીરે ધીરે માલાને હાથકડી જડાયાનું ભાન પાકું થયું. ઇતબાર અને આતિથ્યભાવનાની દુનિયામાં વસનારો માલો દગલબાજીની, વચનભંગની ધરતીમાં પટકાઈ ગયો. સવારે એના ભેજામાં નીંદર ભરી દેવાના છે તે વાતની પાકી સમજ પડી. તેણે હાથકડીમાંથી હાથ ખેંચી જોયા. સત્ય વધુ ભયાનક બની ગયું.

હાથકડીની સામે એ તાકી રહ્યો..

હું…ઉ…ઉ…ઉ… એવે દર્દભર અવાજે કુત્તા રડતાં હતાં.

એ ક્યાંનાં કૂતરાં ? સો ગાઉ પર પડેલા પોતાના ગામડાનાં ?

મધરાત્રિનો આ દરિયાવ ક્યાં છોળો મારી રહેલ છે ?

આ ચંદ્રમાં ક્યાં ચાંદની રેલે છે ?

ઇવા ? તું ત્યાં કેમ ઊભી છે ?

મને છોડાવ ને, ઇવા !