આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
90
પલકારા
 

“અરે, રામ ! લ્યો સા’બ, હમણાં જ દોડી દોડી લઈને આવું છું. મારા સોગન જે ઊઠે તેને. મારે હજી ઘણી વાતો કરવી છે, હો સાહેબ !”

સીસો લઈને ઓરત બહાર નીકળી, થોડી વારે જ્યારે એ પાછી આવી ત્યારે એની સાથે એક પોલીસ-કૉન્ટેબલ હતો. પોલીસના હાથમાં કારતૂસ ચડાવેલી રિવૉલ્વર હતી.

ઓરતે આંગળી ચીંધીને કહ્યું : “આ મારા ઘરના મે’માન !”

પોલીસે મહેમાનને કહ્યું : “ખડા થાવ, મોખરે થઈ જાવ.”

“દગલબાજ !” મહેમાને ઓરત સામે ડોળા ફાડ્યા.

“હ-અં !” બિલાડી જેવી આંખો તાકીને ઓરત મલકાતી મલકાતી ઊભી; એટલું જ બોલી : “મારા દેશની વિરુદ્ધમાં મને વાપરવી હતી, કાં ?”

ઓરતના ઘરનું બારણું બંધ થયું. એટલે જાહેર રસ્તા પરના ફાનસને અજવાળે આ પરહેજ બનેલા આદમીએ પોતાના ગજવામાંથી એક પાસ બહાર કાઢ્યો. કૉસ્ટેબલની આંખો સામે ઠંડા રુઆબથી એ પાસ એણે ધર્યો. કૉસ્ટેબલે પાસ જોતાંની વાર જ ટટાર બનીને બંદીવાનને લશ્કરી સલામ ભરી.

બંદીવાને કડક દમામ સાથે ગજવામાંથી પોતાના નામનું કાર્ડ કાઢ્યું, અને કૉસ્ટેબલને આપી કહ્યું : “એ રાંડને આપ, અને કહેજે કે કાલે સવારે મારી ઑફિસમાં હાજર થાય.”

કૉસ્ટેબલે ફરીથી લશ્કરી સલામ કરી. બન્ને છૂટા પડ્યા.

[3]

વળતા દિવસની સવારે એ ‘રાંડ’ એક લશ્કરી કચેરીના દ્વાર પર આવીને ઊભી રહી, ત્યારે ‘સાહેબ’ની સાથે મુલાકાતો ગોઠવનાર અફસરો એક પછી એક આદમીનું નામઠામ નોંધી-પૂછી સહુને હારબંધ બેસાડતા હતા.

ઓરતે ટેબલ પર પોતાનું કાર્ડ સેરવ્યું. તાત્કાલિક મુલાકાત આપવાની એ નિશાની દેખાતાં જ અફસરોનાં ઊંધું ઘાલી લખલખ કરતાં માથાં ઊચાં થયાં; સહુએ કુતૂહલ અનુભવ્યું : ઓરતે માથા પર રૂમાલ બાંધ્યો હતો;