આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ : પંકજ
 

પાછી તો આવશે જ ને?'

એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. ક્વચિત આંખ ઉપર લૂગડું ઢાંકી દેતું, અને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું :

'હા હા, આવશે હો ! જાઓ, રમો.'

એટલો જવાબ બાળકના અંગેઅંગમાં સ્ફુર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. ચારપાંચ દિવસે વળી પાછો એને એ પ્રશ્ન પુછાતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસનાં સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી અને તે એકલો એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંધમાં તે કઈ વાર લવી ઊઠતો : 'મા ! મા !'

તેનો પિતા ઝબકીને જાગી ઊઠતો અને તેને શરીરે હાથ ફેરવતો.

એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માના સરખુ લૂગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારીધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો.

બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પછી બધાંની માફક નાસી નહિ જાય? એ વિચારે તેને ગભરાવ્યો, સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે બેત્રણ પેટીઓ પોતાના સૂવાના ઓરડામાં ગોઠવાવી, તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહિ જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું : 'તમે અહીં રહેશે કે જતાં રહેશો?'

પેલી યુવતીને હસવું આવ્યું. તેણે સામે પ્રશ્ન કર્યો : 'તમને શું ગમશે? હું રહું તે કે જાઉં તે?'

'અહીં રહો તે જ ગમે.' કુસુમાયુધે જવાબ આપ્યો. તેને