આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૦૧
 

ચલાવી. પરંતુ ધીમે ધીમે તેમની મહત્તાએ એવી ભૂમિકામાં પ્રવેશ કર્યો કે તેમણે ઝડપથી પોતાના કાવ્યગ્રંથો બહાર પાડવા માંડ્યા અને જવલ્લે જ–સામાયિકો ઉપર કૃપા કરવા ખાતર અને જનતાનું આશ્ચર્ય સાચવી રાખવા ખાતર–શિષ્ટ મનાતા માસિકમાં કાવ્યો આપવાનું શિષ્ટ ધારણ સ્વીકાર્યું.

અને તેમના કાવ્યગ્રંથો ? નવલકથાઓ સિવાય કશું પણ સાહિત્ય ન છપાવવું એવો નિશ્ચય કરી બેઠેલા પ્રકાશકોએ પોતાનો નિશ્ચય બાજુએ મૂકી તેમના ગ્રંથો છપાવવા માગણી કરવા માંડી. કડવે મુખે કાવ્યસંગ્રહોને છેક ખૂણામાં નાખી મૂકતા ચોપડીઓ વેચનારાઓએ બહુ ખુશીથી તેમના ગ્રંથને આગળનું સ્થાન આપવા માંડ્યું. અને સનતકુમારનાં નવાં કાવ્યો બહાર પડવાની જાહેરાત થાય ત્યારથી રસિક વાચકોએ પુસ્તકોની દુકાન ઉપર ધસારો શરૂ કરી દીધેલ હોય જ !

તેમનાં કાવ્ય પણ ભવ્ય અને સુંદર ! શબ્દલાલિત્ય અને અર્થગાંભીર્યથી ઉભરાતાં તેમનાં કાવ્ય વાચકોને મુગ્ધ બનાવતાં. તેમની સુશ્લિષ્ટ ભાવરચના અને તેમનાં ગગનગામી કલ્પનાઉડ્ડયનો તેમનાં કાવ્યોમાં ખામી નિહાળવા મથતા કોઈ દ્વેષી હરીફો અગર દોષદર્શી વિવેચકોને મુખે પણ તેમનાં વખાણ કરાવતા. પુષ્પની સૌરભ અને ઉષાસંધ્યાના રંગોથી શોભતી તેમની કોઈ કવિતા મૃદુતાના ફુવારા ઉડાડતી: તો કોઈ કવિતા અસીમ બ્રહ્માંડ અને તેમાં ધૂમતી નિહારિકાઓ અને આકાશગંગા સુધી વાચકોને ઊંચકી જતી. તેમની કાવ્યરચના કવચિત્ કોકિલ કે બુલબુલનું કંઠ માધુર્ય પ્રગટ કરતી, તો કવચિત્ સમુદ્રનાં ઘોર, ગર્જન કે જવાળામુખીનાં તાંડવોને તાદશ્ય બનાવતી. જનતા સનતકુમારનાં કાવ્યો વાંચી પૃથ્વીની પાર્થિવતા ત્યજી વ્યોમવાસી બની જતી.

તેમની કવિતાનાં વખાણ સાંભળી તેઓ દ્વિગુણ બળથી કવિતાદેવીની ઉપાસના કર્યે જતા. પોતાનાં વખાણ સાંભળી તેને હર્ષ થતો