આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૧૧
 

આવ્યું કે તેમણે આવી કદી કલ્પના પણ નહોતી કરી. ચંદ્રમાં તારા કેવા ? વળી એ ચંદ્ર ધવલ આકાશગંગાથી વીંટાયેલો કેમ દેખાતો હતો? આકાશગંગાથી બે પોયણાં લંબાઈને તેમના મસ્તક ઉપર અને મુખ ઉપર ફરતાં લાગ્યાં ! એ સુવાળાં ફરતાં પોયણાંને પકડી તેમણે આંખ ઉપર દબાવ્યાં.

એ તો કોઈના હાથ હતા ! તેમણે ફરી આંખ ઉઘાડી. એ ચંદ્ર? કે ચંદ્ર સરખા મુખવાળી ધવલ વસ્ત્રધારી સુહાસિની?

'હું ક્યાં છું?' સનતકુમારે પૂછ્યું.

'મારી પાસે.' સુહાસિનીએ કહ્યું.

સનતકુમાર પત્નીના ખોળામાં લપાયા. તેમને લાગ્યું કે તેમણે કદી ન અનુભવેલું સુખ તેઓ અત્યારે અનુભવતા હતા. મહાન સ્ફૂરણોએ ન ઉપજાવેલી ઊર્મિ તેમના હૃદયમાં ઊછળી આવી. એ ક્યી નવીનતા તેમને અત્યારે જડતી હતી ? ઉચ્ચમાં ઉચ્ચ કલ્પનાએ પણ ન ઉપજાવેલો કંપ તેમને થતો હતો. કોઈ મહાકાવ્ય તેમને સ્ફુરતું હતું ! એ કાવ્ય વાણીમાં ઊતરતું નહોતું. વૈખરીમાં એ કાવ્યને ઉતારી બગાડી નાખવાની વૃત્તિ જ તેમને થઈ નહિ. કવિએ પત્નીસ્પર્શથી કવિતા માત્ર અનુભવી.

'આપણે ક્યાં છીએ ?' સનતકુમારે કેટલીક વારે પૂછ્યું. સુહાસિનીએ સઘળી હકીકત કહી. કવિતા લખવા અને સુધારવા માટે સનતકુમારને એકાન્ત સેવવાની કેમ ઈચ્છા થઈ તે સમજાયું નહિ. કવિતાની મૂર્તિ સરખી પત્નીને આંખથી દૂર કરી કવિતા લખવા મથવું એ તેમને ઘેલછા લાગી. એ ઘેલછામાં તેમણે આખા જીવનનો રસ ખારો કરી મૂક્યો હતો તેની હવે તેમને સમજણ પડી. માંદગીમાં તેમણે પત્નીનું સતત સાનિધ્ય ભોગવ્યું અને સાનિધ્યમાં તેમણે નવી જ કવિતાનું આસ્વાદન કર્યું. તેમને ખાતરી થઈ કે કાવ્યના નવે રસ ઘરમાં રહીને જ પૂર્ણપણે અનુભવાય. આકાશને જોવાથી અગર તારા ગણવાથી પ્રેરણા મળી શકતી નથી; સ્નેહીનાં