આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નની ભેટ



'સુરભિ ! જો ને બહાર કોણ ઘર પૂછે છે?'

નિસ્તેજ અને જીર્ણ લાગતા ઘરની ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલી એક રોગગ્રસ્ત સ્ત્રીએ પોતાની દીકરીને ધીમેથી પૂછ્યું.

સુરભિ અંદરના ખંડમાં દીવો સળગાવતી હતી. સંધ્યાકાળનો સમય થયો હતો. બહારના ચૉગાનમાં એક ગાડી ખખડી અને ગાડીવાનનો મોટો અવાજ સંભળાયો :

'રામરાયનું ઘર કયું?'

સુરભિએ તેમ જ તેની માતા નીલમગૌરીએ આ પ્રશ્ન સાંભળ્યો. ગાડીવાળો નવો હોવો જોઈએ, નહિ તો રામરાયનું ઘર પૂછે જ નહિ. એ ઘર આખા ગામને જાણીતું હતું.

સુરભિ દીવો કરી બહાર આવી. માતાએ નિઃશ્વાસ નાખ્યો.

'પાંચ સાત વર્ષમાં પણ લોકો આપણને ભૂલી જાય છે!' તેના મનમાં વિચાર આવ્યો. રામરાય સાતેક વર્ષ ઉપર સંતાનમાં માત્ર એક પુત્રીને મૂકી મરણ પામ્યા હતા. મરતાં સુધી તેમણે ગામની આગેવાની કરી હતી. પ્રજાવર્ગમાંથી અંદર અંદરના ઝઘડાનું નિરાકરણ