આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ : પંકજ
 

તેઓ જ કરતા, અને તેમને લીધે ગામની એવી પ્રતિષ્ઠા જામી હતી કે ગામનો એક પણ ઝઘડો અદાલતે જ નહિ. તેમના મૃત્યુથી આખા ગામ ઉપર શોકની છાયા પથરાઈ ગઈ હતી.

પરંતુ જીવતું જગત મૃત મનુષ્યને ઝડપથી વીસરી જાય છે. ગાડીવાળો એકબે વર્ષથી ગામમાં આવ્યો હતો. તેની ઉમ્મર પણ નાની હતી, એટલે તેને રામરાયના મહત્ત્વની ખબર નહોતી. રામરાયના જીવતાં તો અનેક મહેમાનો તેમને ત્યાં આવતા; પરંતુ બેત્રણ વર્ષથી ભાગ્યે કોઈ મહેમાન પણ તેમને ઘેર આવ્યો હોય.

સુરભિએ એટલે આવી પૂછ્યું : 'કેમ ભાઈ ! કોનું કામ છે?'

'આ સાહેબ આપને ત્યાં આવ્યા છે.' ગાડીવાળાએ કહ્યું. ગાડીવાળાએ સાહેબ તરીકે ઓળખાવેલા મહેમાન નીચે ઊતાર્યા. તેમના હાથમાં એક બૅગ હતી. સંધ્યાકાળના આછા અંધકારમાં પણ એ મહેમાન કોઈ ખૂબસૂરત યુવાન હોય એવો સુરભિને ભાસ થયો. તેમની પાછળ એક નોકર ઊતર્યો.

સુરભિએ તે યુવકને ઓળખ્યો નહિ. યુવકે સુરભિને અટકળથી જ ઓળખી અને તેને નમસ્કાર કર્યા. તે ઓટલા ઉપર ચડ્યો. સુરભિએ અંદર આવવાનો માર્ગ દાખવી કહ્યું :

'આવો.'

એાસરીમાંથી નીલમગૌરીએ પૂછ્યું :

'બહેન કોણ આવ્યું ?'

સુરભિ જરા મૂંઝવણમાં પડી. જવાબ આપવાને બદલે તે યુવક સામે જોઈ મીઠું હસી. યુવક સમજ્યો અને બોલ્યો :

'નીલમકાકી ! એ તો હું છું, રશ્મિ.'

'રશ્મિ ! તું ક્યાંથી? આવ, આવ દીકરા ! '

ખાટલા પાસે એક જૂની ખુરશી પડી હતી. તેના ઉપર રશ્મિ બેઠો.

'રશ્મિ ! તું તો બહુ મોટો થઈ ગયો.' નીલમગૌરીએ ખાટલામાં