આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૨૫
 

સમજાવ્યું.

'હું ન માનું. આ શેઠના ભત્રિજાનું નામ સૂર્યકાન્ત છે, અને જેની સાથે તે લગ્ન કરે છે તે વિધવા બાઈનું નામ સુલતા છે.'

'પરંતુ મારી નવલકથાની સુલતા વિધવા નથી; કુમારિકા છે.'

'તમારી નવલકથા મને બતાવી શકશો ?'

'હા, જી, આજે જ છાપખાનામાં આપવાની હતી. આપ મારી સાથે પધારો.'

અમલદારે મેજ ઉપર હાથ પછાડ્યો, અને ઊભા થઈ કહ્યું :

'ચાલો.'

'પણ સાહેબ મને શું કહો છો?' નગરશેઠે પૂછ્યું.

'તમે પણ સાથે ચાલો.'

'આપણી મોટર તૈયાર છે !' શેઠે કહ્યું.

ત્રણે જણ પ્રથમ રતિલાલના ઘરમાં ગયા. રતિલાલે હાથનું લખેલું એક પુસ્તક અમલદાર આગળ ધરી દીધું. ઉપર ઉપરથી તેમણે નજર ફેરવી અને છેલા પ્રકરણને કાળજીપૂર્વક વાંચ્યું. નિ:શ્વાસ મૂકી અંતે તેમણે નગરશેઠને કહ્યું :

'શેઠસાહેબ, હવે આપના ભત્રિજાને આશીર્વાદ આપો. અમારાથી ઉમ્મરલાયક વિધવાના લગ્નને ગુનો માની શકાય નહિ.'

'હું આશીર્વાદ આપું?' શેઠ ઘુરક્યા.

'બીજો ઇલાજ નથી. હું તમારી સાથે જ આશીર્વાદ આપવા આવું છું.' અમલદારે કહ્યું.

'મને પણ સાથે લઈ જાઓ. મારી નવલકથામાં ગમે તેમ થયું હોય, પણ સૂર્યકાન્ત અને સુલતા પરણે એ મને પણ ગમે છે. હું યે આશિષ આપીશ.' રતિલાલે કહ્યું.