આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬ : પંકજ
 

તેની મશ્કરી પણ કરતા. કમળનો આવો ઘેલછાભર્યો શોખ? શું ફૂલ તરફ સવારથી જોતો મધુકર બેઠો હશે ?'

મધુકર તરફ હું જોઈ રહ્યો હતો, પરંતુ તેની નજર મારા તરફ પડી નહોતી. એકાએક તેની આંખોમાંથી આંસુની સેર ચાલી. હું ચમક્યો. એકાન્તમાં આવી હૃદય ખાલી કરનાર મધુકર અને દુઃખમાત્રને હસી કાઢતો અમારો મધુકર. એ બે શું જુદા હતા? હું તેનાં આંસુ જોઈ શક્યો નહિ. સટ્ટાને અને ભાવનાને જરા ય બનતું નથી. છતાં મારાથી બોલાઈ ગયું :

'મધુકર !'

મધુકર ચમક્યો. ચમક્યો અને તેણે મારી સામે જોયું. મારી સામે જોઈ તેણે આંસુ લૂછ્યાં. અને પછી સહજ હસી તે બોલ્યો :

'સુધાકર, તું ક્યાંથી? આવ.'

'હું તારી પાછળ આવ્યો. ગઈ સાલ પણ તું ત્રણ દિવસ ક્યાંક નાસી ગયો હતો. આ સાલ મારે જોવું હતું કે તું ક્યાં જાય છે !' મેં તેની પાસે જઈ કહ્યું.

'હું દર વર્ષે અહીં આવું છું. એક દિવસ અને એક રાત અહીં રહું છું, અને પછી પાછો મારા કામે લાગી જાઉં છું.'

'પણ અહીં આવવાનું કારણ ?'

'કારણ એટલું જ કે આ મારું યાત્રાધામ છે.'

'યાત્રા? તારે?' મધુકર મોટો નાસ્તિક હતો, અમે બધા શુકન, મંગળ, જ્યોતિષ બધામાં માનતા. મધુકરને એમાં જરા પણ શ્રદ્ધા નહોતી. એ તો ઘણી વખત ઈશ્વરનો પણ ઈનકાર કરતો.

'હા. વર્ષમાં ત્રણ દિવસ હું ભાવિક બનું છું.' તેણે કહ્યું.

'અને તે આ સ્થળે?'

'આ સ્થળ મારે મન પવિત્રમાં પવિત્ર છે.' એટલું કહેતાં બરોબર ફરી પાછી તેની આંખ આંસુથી ઊભરાઈ. મધુકરની આંખમાં અશ્રુ જોવાં એ આશ્ચર્યને જોવા બરાબર હતું. હું શાન્ત રહ્યો. મેં