આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નની ભેટ: ૨૧
 


‘ના; બા ! મારે એ નથી લેવા. હું પણ એ એમને લગ્નભેટ આપું છું.' સુરભિ ત્રણ દિવસે આટલું લાંબું વાક્ય બોલી. રશ્મિનું રુધિર ઊછળી આવ્યું. એ કોકિલકંઠ સતત સાંભળ્યા કરવો હોય તો તે કંઠને પકડી રાખવો ન જોઈએ ? નીલમગૌરી ન હોત તે જરૂર એણે સુરભિનું ગળું બે હાથ વચ્ચે લઈ લીધું હોત.

આખી રાત જાગતાં પડી રહેલ રશ્મિને સવારે વહેલાં ઊઠી જવું ગમ્યું નહિ. પરંતુ સુરભિએ વહેલી બધી તૈયારી કરી રાખી હતી, અને ગાડીવાળાએ બહાર આવી બૂમ પાડી એટલે ગયા વગર છૂટકો નહતો.

બંને યુવક-યુવતી ઉપર પહેરો ભરવા માટે પાડોશનાં એક ગંગાકાકીને બે દિવસથી સતત હાજર રાખ્યાં હતાં, એટલે પહેલે દિવસે નીલમગૌરીને પડેલી મુશ્કેલી ઓછી થઈ ગઈ. વાત કરવાની જરા પણ તક કોઈને મળી નહિ.

પરંતુ વૃદ્ધોનાં કેદખાનાંની દીવાલમાં યુવકો ગાબડાં પાડી શકે છે. સરસામાન ગાડીમાં મુકાવવાની વ્યવસ્થાને બહાને સુરભિ ઓટલે ઊભી હતી. નીલમગૌરીને પગે લાગી રશ્મિ બહાર આવ્યો. સુરભિએ બહુ જ ધીમેથી નીચું જોતાં જોતાં કહ્યું :

'આવજો, હો !'

રશ્મિ ક્ષણભર થોભ્યો. એક કુશળ સેનાધિપતિની ત્વરાથી તેણે નિશ્ચય કર્યો, અને જવાબ આપવાને બદલે તેણે પ્રશ્ન કર્યો :

'સુરભિગૌરી ! આનો તોડ શી રીતે પડશે?'

'શાનો ?'

'આપને આપવાની રકમનો.'

'હવે એમાં બાકી શું રહ્યું ? અમે તો ભેટ આપી દીધી.'

'અને સીધી સીધી ભેટ હું લઈ લઉં એવો હલકો તમે ધારી લીધો, ખરું ?'

'ના ના.'