આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : પંકજ
 


'મને લગ્નમાં ભેટ આપવાની છે ને?'

'હાં.' લાલ લાલ મુખ થયું અને સુરભિ બોલી.

'પણ તે સાથે મને સલાહ ન આપો?'

'શાની ?'

'મારે લગ્ન કોની સાથે કરવું ?'

સુરભિના દેહમાં કંપ ઊપજ્યો. તેને લાગ્યું કે તેનાથી બોલાશે જ નહિ. ખરે, તેના હોઠ બિડાઈ ગયા અને તે પૂતળાં માફક ઊભી રહી.

'તમે હા ન પાડો ?'

સુરભિએ પહેલી પહેલી વખત રશ્મિ સામે ધારીને જોયું :

'હું તો ગામડાંની છું; તમને ન શોભું.'

'એ ઠીક છે; તમે હા પાડી છે એમ માનીને જાઉં છું.'

'પણ મારી માને મૂકીને મારાથી ઘર કેમ છોડાય ?'

'હું અહીં આવીને રહીશ. પછી કાંઈ?' રશ્મિએ હસીને કહ્યું. ગાડીવાળાએ બૂમ પાડી : 'સાહેબ ! વાર થઈ જશે.'

રશ્મિએ ઘડિયાળ જોઈ અને એકદમ તે ગાડી તરફ ધસ્યો. તેને જવાની એકદમ ઉતાવળ આવી ગઈ.

ત્રીજે દિવસે રશ્મિની માતા હતાં જ. સુરભિને સમજ ન પડી કે ત્રણ દિવસમાં પાછાં મહેમાન કેમ આવતાં હશે. તેણે રશ્મિની માતાને ઘરમાં ઓળખી. બારણાં પાછળ સંતાઈ તે બંને વૃદ્ધ સ્ત્રીઓનો સંવાદ સાંભળી રહી હતી.

'હું તો મારો ખોળો પાથરવા આવી છું; હું માગું તે આપવું પડશે.' રશ્મિની માતાએ કહ્યું.

'બહેન ! એ શું બોલો છો ? બધું યે તમારું.' નીલમગૌરી બોલ્યાં.

'સુરભિ મને આપો. મારો રશ્મિ એના વગર જીવશે નહિ.'

'તમારા ધનાઢ્ય ઘરમાં આ છોકરી શી ?'