આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬ : પંકજ
 

વિચિત્રતા તેઓ સહી લે છે. અપ્રિય શિક્ષક માટે તેઓ આટલું કરે તો પછી પ્રિય શિક્ષક માટે તેઓ શું ન કરે? સવાર થતાં તે વિદ્યાથીઓનું એક નાનું ટાળું વિનોદરાયની ખબર લેવા ભેગું થયું.

વિદ્યાથીઓ કલાક થોભ્યા, બે કલાક થોભ્યા; પરંતુ વિનોદરાય જાગ્યા નહિ. નોકરે તેમને જગાડવા પ્રયત્ન કર્યો તે નિષ્ફળ ગયો. એકબે મોટા વિદ્યાર્થી ધીમી બૂમે તેમને જગાડવા મથ્યા :

'સાહેબ ! સાહેબ !'

પરંતુ વિનોદરાયે આંખ ન ઉઘાડી; અને જ્યારે આંખ સહેજ ઉઘાડી ત્યારે તે આંખ કોઈને ઓળખાતી ન હોય એવી વિકળ અને ખાલી દેખાઈ.

ગભરાયેલા વિદ્યાર્થીઓ બીજા શિક્ષકને ત્યાં દોડી ગયા. મુખ્ય શિક્ષકને બેભાની અર્પતો સખત જ્વર આવ્યો સાંભળી બીજા શિક્ષકે ડૉકટરને સાથે લાવવાનું ડહાપણ વાપર્યું. ડોકટર આવતાં બરાબર ચિડાઈ ઊઠ્યા :

'માંદા માણસની આસપાસ આટલાં વાંદરાં કેમ ભેગાં કર્યા છે?'

દર્દીના હિત માટે માત્ર કડવી દવા જ નહિ, પરંતુ કડવા બોલ પણ વાપરવાનો ડોક્ટરને પરવાનો મળેલો હોય છે. વિનોદરાયના મદદનીશે કશો જવાબ દીધો નહિ. ડૉકટરે ઝીણવટથી દર્દીને તપાસી ડોકું ધુણાવ્યું.

'ગંભીર સ્થિતિ છે. ત્રિદોષ લાગે છે.'

'હવે ?'

'ઘરમાં કોઈ બૈરી છે કે નહિ ?'

'મને ખબર નથી.'

'તમને ખબર નથી? કેવા અતડા માણસ છો ? મા, બહેન, પત્ની કોઈ પણ છે નહિ?' ડોકટરે વધારે ચિડાઈને પૂછ્યું.

સ્ત્રીજાતિમાંથી વિનોદરાયનું કોઈ સગું હતું કે નહિ તેની ભાગ્યે જ કોઈને ખબર હતી. સારા શિક્ષક તરીકે તેમની શિક્ષકવર્ગમાં પણ