આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા : ૭૯
 

સમજાવવા અગર દબાવવા આવી ગોઠવણ સાહેબે કરી રાખી હતી. મિસ્ત્રીએ વળતરની રકમ ઉપરાંત બંગલો આપી દેવાની બતાવેલી તૈયારી જોઈ તેમને પણ નવાઈ લાગી. સહુએ શેઠને આમતેમ લઈ જઈ સમજાવવા માંડ્યા. હવેલી માટેની લાગણી શેઠને ઓછી થવા માંડી. બધી યોજના પોતાને લાભકારક છે એમ તેમની વ્યવહારકુશળ બુદ્ધિએ જોઈ લીધું હવે તેઓ સમજવાને તૈયાર હતા, માત્ર પોતાની હવેલી જાય એ વિચાર તેમને ખૂંચ્યા કરતું હતું. છેવટે એક આગેવાને ધીમે રહીને કહ્યું.

'શેઠ ! સમજી જાઓ. આ તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવે છે. આ તક જવા દીધી તો હવેલી યે જશે અને બંગલો યે જશે.'

'ઠીક ત્યારે. તમારી બધાંની મરજીને માન આપું છું, અને સાહેબનો બોલ માથે ચડાવું છું !'

શેઠ છેવટે મહામુસીબતે સમજી ગયા. જમીન પોતાની રાજીખુશીથી કબજો સોંપવાની તેમણે કબૂલાત આપી. સાહેબ પ્રસન્ન થયા. હરિવલ્લભ શેઠને શાબાશી આપવા એક હુકમ તેમણે ત્યાં ને ત્યાં જ લખી આપ્યો. જ્યરામ મિસ્ત્રીએ હરિવલ્લભ શેઠને ઘેર પહોંચાડવા પોતાની મોટર આપી. મોટરમાં શેઠને બેસાડી બારણું બંધ કરી બહાર ઊભેલા મિસ્ત્રીએ પૂછ્યું :

'શેઠ મને ઓળખો ખરા ને ?'

'તમને કોણ ન ઓળખે ? અને હવે તો હું વધારે ઓળખું, મારી હવેલી પડાવી લેનાર તરીકે’ શેઠે કહ્યું. હજી તેમની કરડાકી ઓછી થતી નહોતી.

'એ તો આજકાલની ઓળખાણ. પણ આપણે તો જૂની ઓળખાણ છે. આપ કદાચ ભૂલી ગયા હશો.'

'જૂની ઓળખાણ યાદ નથી.'

'આપણે તો, શેઠ સાહેબ, પાડોશી હતા.'

'સાંભરતું નથી !'