આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધનિક હૃદય



મન્મથ અને હું કૉલેજમાં સાથે ભણતા. એ ભણતો ત્યારથી જ ઘણો ઉડાઉ હતો. ઔદાર્ય અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ ભાગ્યે જ સમજી શકાય એવો હોય છે. એ બહુ સ્વચ્છ, ડાઘ વગરનાં અને સહજ દમામદાર વસ્ત્રો પહેરતો. પરંતુ તે સાથે એ પણ કહેવું જોઈએ કે અમારા સરખા તેના મિત્રોમાંથી કોઈ પણ તેનાં કપડાં વગર પૂછ્યે પહેરી જાય તો મન્મથને કાંઈ જ લાગતું નહિ. એટલું જ નહિ, તેણે પોતે જ તે કપડાં પહેર્યાં હોય એવો તેને આનંદ થતો.

તેની ઓરડીએ કદી તાળું દીઠું નહોતું. મરજી ફાવે તેમ વિદ્યાર્થીઓને એની ઓરડીમાં આવવાની, એનાં પુસ્તક લઈ જવાની, એનાં કપડાં પહેરવાની, ચા બનાવી પી જવાની સંપૂર્ણ છૂટ હતી. તેને ટોપીની જરૂર પડે અને તે કોઈ ખેંચી ગયું હોય ત્યારે તે ત્રાહિત માણસની ગમ્મત થઈ હોય એમ હસતો. સ્ટવ ઉપર ચા મૂકી દૂધ લેવા જતાં તપેલી ખાલી જોવામાં આવે તો બે વહાલભરી ગાળ દઈ હસતે હસતે તે બૉર્ડિંગના નોકરને દૂધ વેચાતું લેવા મોકલતો. તે એકલો આનંદ લઈ શકતો નહિ. ચા પીતી કે વખતે, કે જમતી વખતે તેની જોડે ચારપાંચ વિદ્યાર્થીઓ તો