આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી.

ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે. એટલે જરાક પડદા ઉઘાડી અમારા રંગઢંગ-કંઈક આછાઅધૂરા યે-સહિયરોને દાખવવાની મ્હને ટેવ પડી ગઈ છે. કેટલીક સાહેલીઓ સાંભળે છે; કેટલીક હસે છે. પોતાનાં યે નિજમન્દિરની એવી એવી વાતોનાં સ્મરણોનાં તેજકિરણો કેટલીકની આંખડીઓમાં વણબોલ્યે ચમકી ઉઠે છે.

સહુના યે એકાન્ત તો સરખા ને ?

ત્ય્હારે એક પ્રભાતની વાત કહું છું.

કોયલને ટહુકે જાગી ને મોરને ટહુકે નાથ જાગ્યા. જાગીને જોયું તો અજવાળાં ઉગતાં હતાં, પણ મ્હોંસૂજણું નહોતું થયું. એક ભરથરી રાવણહથ્થાને છેડી મોરને ઘેરે ઘેરે પ્રભાતિયું ગાતો હતો.

એ રોજ કહેતા કે અમારૂં ગામ કાલિદાસની ઉજ્જ્યની નથી. ગામને પાદર ક્ષિપ્રા યે નથી કે સારસે નથી :

સારસના કલરવે અમે જાગીએ ને કમળવનના સુગન્ધ કળાયે અમે પુનશ્ચેતના પામીએ. રોજ તો અમે એલારામના ઘણઘણાટથી જાગતાં.

અને જાગીને યે અમે તન્દ્રામાં પડતાં.

૨૧