આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂતરના શ્વેત દોરે પરોવેલું એક ત્રાંબાનું માદળિયું એને હૈયે લટકતું. સ્હવારે સ્હવારે એ પૂજામાં બેસતા ત્ય્હારે દેવમૂર્તિ સંગાથે એ માદળિયું પૂજાસિંહાસને મૂકતા ને દેવ સાથે એને એ ધૂપઆરતી ધરાવતા. શ્રી કૃષ્ણને કૌસ્તુભ મણિ હતો એથી એ એનું ત્રાંબામાદળિયું એને મહામૂલું હતું. માદળિયાને એ પોતાના પ્રાણની કણિકા માનતા.

તે સૂર્યોપાસક હતા; ગાયત્રી જપતા. એનો ધર્મોપદેશ એક જ સૂત્રમાં સમાતો: અન્ધારાં ઉતારો ને અજવાળાં ઓઢો.

નગરનું દેવમન્દિર નગર વચ્ચે હતું; ને સર્વસંપ્રદાયની પંચમૂર્તિઓ મંહી પધરાયેલી હતી; તેથી સર્વસંપ્રદાયોના સંપ્રદાયીની ત્ય્હાં મેદની જામતી.

સન્ધ્યાકાલે બાળકો મન્દિરચોકમાં રમતાં. સ્હવારે ધર્મવાર્તા થતી તે સાંભળવાને વિદ્વદ્જનોની મંડળી જામતી. સ્હાંજે સ્હાંજે સુન્દરીઓનાં વૃન્દ દર્શને આવતાં ને દેવચોકમાં બાળાઓ રાસડા લેતી. પરવની તિથિએ ને પૂર્ણિમાએ પૂર્ણિમાએ પૃથ્વીઉતરી પૂર્ણીમા સરિખડી સુન્દરીઓનાં સૌન્દર્યની મન્દિરમાં ભરતી ઉછળતી. જ્ય્હાં જ્ય્હાં, સૂર્ય, ત્ય્હાં ત્ય્હાં અજવાળાં: એમ જ્ય્હાં જ્ય્હાં દેવત્વ, ત્ય્હાં ત્ય્હાં સૌન્દર્ય: એ તો દેવત્વના ને સૌન્દર્યના ન્યાયશાસ્ત્રનું સૂત્ર છે ને ?

૯૬