આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઇકે યે લીધા છે. આસ્માનના તાગ લે તે આત્મપ્રશ્નોના ઉકેલ ઉકેલે.

એ કપરા પ્રશ્નોનો ઉકેલ ઉકેલતા બ્રહ્મચારીજી પડ્યા હતા. ઉપર ચન્દ્રમા ચન્દની ઢોળતો ને પત્રઝૂમખો ચમ્મર ઢોળતો. નીચે કુંડનાં જળ એમની છબિ ઝીલતાં.

લોક કહે છે:

પહેલે પહોરે સબ કોઈ જાગે, બીજે પહોરે ભોગી,
ત્રીજે પહોરે તસ્કર જાગે, ચોથે પહોરે જોગી.

રાત્રીનો એ ત્રીજો પ્રહર મંડાતો હતો.

ચન્દ્રમા નમ્યો ને દેહરીના છત્રની છાયા ઓસરી. બ્રહ્મચારીના વદનચન્દ્રે ચન્દ્રની ચન્દ્રિકા પ્રકાશી રહી.

દહેરીને પગથારે એવે એક છાયા પડી ને ઉડી ગઇ. બ્રહ્મચારીએ ધાર્યું ચન્દનીમાં ઉડતી ચન્દ્રઘેલી રકોરીનો પડછાયો હશે.

ફૂલભારે લચી જતી ફૂલછોડની ડાળી લહરી આવ્યે નમે ને પાછી ઉપડે એવી ક્ષણેક એ છાયા પડીને ઉડી ગઈ. ન દીઠા જેવું બ્રહ્મચારીની દૃષ્ટિએ દીઠું, ન વિચાર્યા જેવું બ્રહ્મચારીના દિલે ચિચાર્યું.

ચોકીના સ્થંભનો એક એકલવાયો છાયાસ્થંભ દેહરીની વચ્ચે પડતો. બાકીના ત્રણ સ્થંભના ત્રણ છાયાસ્થંભો કુંડનાં પગથિયાં ઉપર પડતા, ને ન્હાનકડો તરપોળિયો રચતા.

૧૦૨