આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'એ તો અમે છીએ. કોઈ દિવસ નહિ ને આજે અમારા રાસ સાંભળવાને મન્દિર પાળે આવી ઉભા ત્ય્હારનું મુખનું મરકલડું દીઠું: એનાં ન્હોતર્યાં આવ્યાં છીએ.'

બ્રહ્મચારીએ એને ઓળખી. મન્દિરની નવી માળણની એ પુત્રી હતી. નવી માળણ રસિયેણ હતી ને તેથી નવા પંચે જૂની ભાવિક માળણને રજા આપી નવી માળણને રાખી હતી. 'બધા ફેરફાર કંઈ સુધારા નથ હોતા.' એવું આ થયું હતું.

મા જેવી પુત્રી હતી. સકલ લલિત કલાઓમાં તે પારંગત હતી. એના રાસની હલકની, એની પૂરી રંઘોળીની, એની ભરી ફૂલ મંડળીને નગરના રસિલા યુવકસંઘમાં ઘણી ઘણી વાતો ચર્ચાતી.

'અત્ય્હારે ક્યાંથી? શું જોઈએ છીએ?'

'ત્હમારૂં બ્રહ્મચર્ય. જૂવો, સાથે બ્રહ્મચારિણી છે:' કહી સંગાથી સહિયરને આગળ ધક્કેલી. અબોલ, ઉંડું ઉંડું થતી, જીવનપંખિણી એ પેલી મુગ્ધા હતી. 'એને તો હું દર્શને લાવી હતી : ચન્દનીમાં ચન્દ્રરાજનાં દર્શને.'

વયે સોળ વર્ષની યૌવના હતી, પણ અનુભવે તે છત્રીસ વર્ષની પ્રૌઢા હતી.

'ત્હમે મારૂં સર્વસ્વ માગો છો:' બ્રમચારીએ કહ્યું.

'ત્હમે તો સહુને સર્વસ્વ આપો છો. કાંઈ યે સંઘરો છો ક્ય્હાં જે?' નવમાળણની પેલી ચબાવલી કુંવરી બોલી.

૧૦૪