આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ત્હમે તો સંસાર માગો છો: આ બ્રહ્મચારીની દ્‌હેરી છે:' કહી બ્રહ્મચારી છલંગ ભરીને કુંડના શીતલ જળમાં પડ્યા.

એ જળ ઉપર ચન્દનીનાં અમૃત તરતાં હતાં

પાછળ જળમાં કૂદી પદવા ક્ષણેક તો માળણ પુત્રીએ કચ્છ કસ્યો: પરાજ્ય એને એવો ડંખ્યો. પણ પછી ફરીથી વિમાસ્યું. હૈયુંઢીલું પડી ગયું, નિર્ણય ઓગળી ગયો, પૂર ઉતરી ગયું, અને મન્દિરને મંડપે દશેરાની દેવસ્વારીનો રથ શણગારવાને તે સિધાવી.

ચોકમાં ચન્દનીની પાટલીઓ વૃક્ષઘટાના છાયાપાટે માંડેલી હતી. જાણે ગણી-ગણીને એ પાટલીઓએ પગલાં માંડતાં તે ગણગણતી:

'એ બ્રહ્મચારી નથી, પરણેલા છે. કહે છે કે ત્રાંબા-પતરાના માદળિયામાં મૂર્તિ છે - એમની વહુની.'

ચોકમાં ચન્દની છલકાતી ભરાઈ હતી: મન્દિર ચોકમાં ચન્દનીનુંસરોવર ભરાયું હતું. મંહી એ પાય ધોતી જતી હતી.

'ખરેખર ! બ્રહ્મચારી કોઈકના પ્રેમમાં છે : પ્રેમમાં છે માટે જ અચળ ને અડોલ છે. મોહ તો રૂપનો ખરીદ્યો સરદાર છે; પ્રેમ ચક્રવર્તી રાજવી જેવા છે.'

ગગને ચ્હડીને જગત નિહાળતો ચન્દ્રમા એક આ સુણતો હતો.

૧૦૬