આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
પરકમ્મા :
 


હું જાણું છું કે આ રાજ્યાશ્રિત ચારણોમાંના કેટલાકની કથા ઠપકાને પાત્ર છે. મારા વળના બીજા કેટલાક ચારણો વિશે પણ નબળી વાતો સાંભળું છું. વ્યસનીઓ અને મૂર્ખોના આશ્રયે આ ચારણો એક નાનકડી દુનિયામાં પુરાઈ જાય છે ને અહોરાતના રાજસંગને પરિણામે વિશાળ લોકજીવનનો સંપર્ક તો ગુમાવે છે પણ સાથે મુલ્યાંકનશકિત યે ખૂએ છે. રાજાઓ પાસે બેસીને લોકોને ભોગે સુગલ કરાવતા ચારણોની પણ મને જાણ છે. વિદ્યા કેવલ વિલાસની બાંદી બની રહે છે. અધિકારશાહીની સૃષ્ટિની જેમને બહુ મધલાળ લાગેલી છે તેમનું પણ એમ છે, અને આ નવા જમાનાએ નવા સરજાવેલા દરબાર-વર્ગનો, એટલે કે મિલપતિ પૂંજીપતિ શેઠીઆઓનો આશરો પણ તે ચારણ ભાઇઓની મૂળ દશાનું પુનરાવર્તન જ કરાવી રહ્યો છે.

ઈલાજ શું ?

વિદ્યાપોષક સંસ્થાઓ ને વ્યકિતઓ તેમને સંધરી શકે તેમ છે? નહિ.

કાં તો ચારણો ચારણો જ રહે ને કાં ધંધાધાપામાં પડી જાય. ચારણો રહેશે તો મૂળ જે સંજોગોમાં ખીલતા તેને મળતા સંજોગોમાં જ, રૂપાન્તરે, તેઓને રહેવું ફાવશે.

આ ગંભીર અને ગ્લાનિકર વિચાર સાથે મારી પહેલી ટાંચણપોથી પૂરી કરું છું અને ગગુભાઇએ કહેલ એક હાસ્યરસિક ટુચકાનું ટાંચણ ટપકાવી તેમની સ્મૃતિને, મારી જોડેના તેમના પૂર્ણ નિઃસ્વાર્થી, પૂર્ણ સંસ્કારશીલ, શુદ્ધ સાહિત્યલક્ષી, મનની માયામહોબ્બતે અંકિત સમાગમની રમૃતિને જુહારું છું—

નવે નાકે દીવાળી

વાણિયો હતો અને પદમિયો વાળંદ હતો. બેયની બાઇડિયું પાણીશેરડે મળી.