આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરકમ્મા :
 



ફાગણ માસે ફેર ફરે હોળી,
નારી પેરે ચરણાં ને ચોળી,
કેસુડાં બહુ રે છાંટ્યાં બોળી-ભરમ્યા.

એવી લોકવિરહિણીની આખી બારમાસી કોણે ને ક્યારે લખાવી ? નામ નથી, તારીખ નથી, સંશોધનની શાસ્ત્રીય પદ્ધતિ શી છે તે હું જાણતો નહોતો. પણ હૈયાની કોરે ટાંકેલ છે નામ ઠામ ને તારીખ. એ તો રાણપુર ગામના હરિજનવાસના ઢેઢ ધૂડાનું ગાયેલું.

ધૂડો ઢેઢ

ધૂડો અમદાવાદ રળતો. હોળીએ ને ગોકળઆઠમે ઘેરે આવતો. કાને બહેરો, બોલવે દબાતા સાદવાળો, પચાસેક વર્ષનો શ્વેતવસ્તરો ધૂડો, એ બેય તહેવારે ઢેડવાડાનાં નરનારીઓને ઘેલાં કરતો. કડતાલ બજવતો ને છલાંગ મારતો ધૂડો, વિશાળ કુંડાળે ગવરાવતો. એના રાસડા ગરબા ઝીલતી સ્ત્રી–પુરુષોની મિશ્રમંડળી ધૂડાના કરતાં બેવડી ઝુકાઝુક મચવીને ગાતી ઘૂમતી. કોઇ કોઈ વાર ધૂડો ખડીઓ લઈને આવી ઓફિસે ઊભો રહેતો, લખતાં લખતાં માથું ઊંચું ન કરું ત્યાંસુધી ચૂપચાપ ઊભો રહેતો, નજર કરું એટલે માગે : ‘રૂશનાઈ આપો !’ ‘કાગળ આપો !’—

ક્યાં છે આજે એ ધૂડો ? છેલ્લે છેલ્લે દીઠે બે ત્રણ વર્ષો વહી ગયાં. અંધાપો આવી ગયો હતો. રૂશનાઈ માગી તે આપી હતી કે નહિ ? ‘હમણાં કામમાં છું, હમણાં જાવ, પછી આવજો,’ એમ કહીને વળાવ્યો હતો શું ? પાછો આવ્યો જ નથી. ક્યાં છે ? તપાસ પણ કરાવી નથી. જીવે છે કે નહિ ? હરિજનવાસ તો પડોશમાં જ છે, તો યે વાવડ લીધા નથી ? ધૂડે તો ગીતો ઘણાં આપેલાં.

જીજી બારોટ

પાનાં ફરે છે, ધૂડે આપેલ હાલરડાં અને ‘માતાનો વડલો’ વાળું ગીત પાછળ જાય છે, અને એની પડખોપડખ એક ઊલટી જ જીવન–ગતિને