આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 : પ્રયાણ ત્રીજું
૧૨૭
 


દેવળ તેય પડછંદા દેવે,
કહીએ તેવું તે જ કહે,
મેપત બોલો ખૂબ મજાથી
[તો] રાજસભાને મોજ રહે – ૪

કરડા તણી ધર લેવા કાજે
[તું તે] નવ સોરાઠાં સામો નાથ?
આબુ ટોંકથી ઘોંકથી આવ્યો
[કે તું] રે’વાશી કાશી સમરાથ ? - ૫

સૂબો જબર, જબર મનસૂબા,
ઘાટ સમજણે ઠાઠ ઘણા,
સગમલ અસ્થ કવ્યાં જગ સઘરે
તું બોલ્યાથી ભાણ તણા ! - ૬

મૂંગા રહેવાનું કારણ તો ઠાકોર સયામજીને ચાય તે હો, પણ ચારણે એને વ્યંગમાં ઠપકો દીધો : હે સંગ્રામજી ! હે જબરા જોગંદર સિદ્ધ ! બોલ તો ખરો, કે તું શી શી વિદ્યાની સાધના કરી રહ્યો છે ? તું તે શું દિલ્હી, સતારા કે પૂનાનો રાજપલટો વિચારી રહ્યો છે ? કે શું તને જુનાગઢનું રાજ્ય જીતી લેવાનો સ્વાદ લાગ્યો છે ? આવું મૌનવ્રત શીદ લીધું છે ? કે શું કવિઓને કોઈ પહેરામણી કરવાનું વિચારે છે ? મોટા રાજાઓ સાથે અફળાવાની ઈચ્છા કરછ ? અરે વનનાં પંખીડાં પણ દિલમાં કશો દગો રાખ્યા વગર આપણા બોલાવ્યાં બોલે છે, તો તું મનુષ્ય કેમ ચૂપ છે ? અરે નિર્જીવ દેવળ પણ આપણા અવાજની સામે પડઘા આપે છે, ને જેવું કહીએ તેવું સામે કહે છે, તો તું શું એ કરતાં પણ પ્રાણહીન છો? હે મહીપતિ ! બોલતા રહો, તો રાજસભાને પણ મોજ રહે. નહિ તો કહી દો કે તું શું કોઈ કરડા રાજાની ધરતી જીતવા મનસૂબો કરી રહેલ છો ? કે શું તું કોઈ આબુશિખરથી કે કાશીથી ઊતરેલો મહાયોગી છો?