આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
પરકમ્મા :
 

નવાઈ નથી કે સોરઠિયો ઠાકોર પોતાને આરોપવામાં આવેલ આવાં બુલંદ બિરુદો અને ઉપમાઓના હાર્દમાં છુપાયેલ હાંસીનો માર્યો મૂંગો મટી ગયો હોય. બાકી કવિએ તો ઉપાલંભ અને પરિહાસ દેવામાં કાંઈ બાકી નથી રાખી. પંખીઓ અને પથ્થરોથી પણ રાજા જેવા રાજાને વધુ જડ કહી દીધો.

રાદડિયાનું ખીજડિયું

ઊઘડે પાનાં—

ચીતળયો કાઠી દરબાર હમીરવાળો : રામ રાદડિયો નામે એનો કાઠી. રામ રાદડિયાને ઘેર મહેમાનગતમાં સાકરની ડમરીઉં ચડે.

એક વાર ખુમાણો મહેમાન થઈને ચીતળમાં આવ્યા. ગામમાં પેસીને જરા થંભ્યા. ઘોડા ખુંદી રહ્યા છે. પણ મસલત કરે છે કયે ઘેરે જવું !

‘જો દરબારગઢમાં જાશું તો ખાટિયાં [ ખાટી કઢી ] મળશે. સાકર દૂધની ડમરીઉં તો રામ રાદડિયાને ત્યાં મળશે.’

‘હાલો હાંકો રામને ઘેર ઘોડાં.’

આ વાતચીત દરબારગઢની ડેલીએ બેઠે બેઠે દરબાર હમીરવાળાએ અને એના કાઠી રામ રાદડિયાએ બેઉએ કાનોકાન સાંભળી.

રામને બીક પેઠી : નક્કી દરબાર રજા આપશે !

દરબારે મર્મ કર્યો :‘જાવ રામ રાદડિયા, સાકરની ડમરીઉં ચડાવો. આંઈ તો ખાટિયાં છે !’

રામને ઘેર ખુમાણ દાયરો ઊતર્યો, રોજની રીતે રૂડી ભાતની મહેમાનગતિ માણી ને પછી આગળ ઊપડવા ઘોડે પલાણ મંડાય છે ત્યાં જ દરબાર હમીરવાળો આવીને હાજર થયા. રામ રાદડિયાને પૂરો ધ્રાશકો પડ્યો.

દરબાર મહેમાનને કહે કે ‘બા ! રોકાઈ જાવ.’

કે ‘કાં આપા ?’

કે ‘રામ રાદડિયાને ખરચ બહુ છે. એટલે મારે એને ખીજડિયું ગામ દેવું છે.’

તે જ વખતે ખીજડિયું ગામ દીધું.

હજુ પણ રાદડિયા ખીજડિયું ખાય છે.